બીમારીથી કંટાળી આધેડ અને યુવાને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં આત્મહત્યાના ત્રણ બનાવ બન્યા છે. જેમાં બે વ્યક્તિએ ગળે ફાંસો ખાઇ અને એક યુવાને નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી. પોલીસે આ અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, અમરાઇવાડી વિસ્તારમાં ચામુંડાનગર ખાતે આવેલી લાલસિંહની ચાલીમાં રહેતા ચંદુજી કાળુજી ઠાકોર નામના પ૦ વર્ષની વયના આધેડે બીમારીથી કંટાળી જઇ રાત્રીના સમયે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જ્યારે નરોડા વિસ્તારમાં ચત્રભૂજ ડેરી સામે આવેલ પાયલનગર ખાતે રહેતા પીયૂષ રમેશભાઇ વીરપરિયા નામના ર૭ વર્ષના યુવાને પણ બીમારીથી કંટાળી જઇ મોડી રાત્રે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. પોલીસે બંને લાશને પી.એમ. માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત બાપુનગર વિસ્તારમાં પ્રતીક શાક માર્કેટ પાસે આવેલ અંબર કોલોનીમાં રહેતા ભરતભાઇ દયારામભાઇ વચેટા નામના યુવાને અંગત કારણોસર રાત્રીના સમયે સુભાષબ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. ગુનાની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચી જઈ ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
http://sambhaavnews.com/

You might also like