વેજલપુરમાં પોલીસ પુત્રએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

અમદાવાદ: શહેરમાં યુવા ધનમાં આપઘાતનાં પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દર બે દિવસે એક યુવાન આત્મહત્યા કરતાં હોવાનો કિસ્સાઓ બની રહ્યા છે. વેજલપુર વિસ્તારમાં રહેતાં એક પોલીસના પુત્રએ ગઈ કાલે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પત્ની સાથે બે વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ગયા હોવાથી અને દારૂની લતે ચડી ગયો હોઈ તેને મનમાં લાગી આવતાં આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેજલપુર વિસ્તારમાં ગીતા બાગ સોસાયટી પાસે આવેલા કનકધામ રો હાઉસમાં કિશનલાલ ચાવડા પોતાના પરિવાર સાથે રહે છે. કિશનલાલ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે તેમના પરિવારમાં તેમની પત્ની અને અશ્વિન (ઉં.વ. ૨૮) નામનો પુત્ર હતો. અશ્વિનનાં બે વર્ષ અગાઉ તેની પત્ની સાથે કોઈ કારણોસર છૂટાછેડા થઈ ગયા હતા. જેના કારણે તે ચિંતામાં રહેતો હતો અને દારૂની લતે ચડી ગયો હતો.

ગઈ કાલે કિશનલાલ નોકરીએ ગયા હતા અને તેની માતા ઘરે હતાં. તે દરમિયાનમાં અશ્વિન કોઈ કામ ધંધો ન કરતો હોવાથી ઘરે જ હતો અને છૂટાછેડાનું મનમાં લાગી આવતાં તેણે ગઈ કાલે પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે તેના પરિવારજનોને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત મોત નોંધી મૃતક અશ્વિનનાં માતા પિતાનાં નિવેદનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like