ઘાટલોડિયાના યુવાને ગોંડલ નજીક હાથની નસ કાપી નાખી!

અમદાવાદ: ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા એક યુવકને તેના કાકાએ કામકાજને લઇ ઠપકો આપતાં ઘરેથી નીકળીને ગોંડલના રીબડા ગામ પાસે હાથ પર કાપા મારી વાહનની અડફેટે આવી આત્મહત્યા કરી લીધી હતી. ગોંડલ પોલીસે અમદાવાદ પોલીસને જાણ કરતાં પોલીસે તેનાં પરિવારજનોને જાણ કરી હતી.

શહેરના ઘાટલોડિયા શાયોનાસિટી વિસ્તારમાં આવેલી વૈભવલક્ષ્મી સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ સુરેશભાઇ પારેખ (ઉ.વ.રપ)એ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ પાસે આત્મહત્યા કરી લીધી હતી. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.એલ. મહેતાએ જણાવ્યું હતું કે ગઇ કાલે વહેલી સવારે રીબડા નજીક રોડ પરથી લોહીલુહાણ હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. તેની પાસેથી ચૂંટણીકાર્ડ મળ્યું હતું. જેમાં સિદ્ધાર્થ સુરેશભાઇ પારેખ (રહે. ઘાટલોડિયા)નું સરનામું મળતાં અમદાવાદ પોલીસને જાણ કરાઇ હતી.

સોલા પોલીસને જાણ કરાતાં તેઓએ તેનાં પરિવારજનોને જાણ કરી હતી. મૃતક સિદ્ધાર્થ કેટલાક સમયથી કોઇ કામધંધો ન કરતો હોઇ બેરોજગાર હતો. તેનાં માતા-પિતા વિદેશમાં સ્થાયી થયાં છે અને ઘાટલોડિયા તેના કાકા અરુણભાઇ પારેખ સાથે રહેતો હતો. કોઇ કામકાજ ન કરતો હોઇ તેને ઘેરથી ઠપકો મળ્યો હતો, જે માટે લાગી આવતાં તે ઘરેથી નીકળી ગયો હતો અને ગોંડલ નજીક તેણે હાથમાં કાપા મારી અને કોઇ વાહનની અડફેટે આવી મોતને વહાલું કરી લીધું હતું.
http://sambhaavnews.com/

You might also like