કાબુલમાં સ્યુસાઈડ એટેકઃ એરપોર્ટ પરના વિદેશી સૈનિકો હતા ટાર્ગેટ

કાબુલઃ અફઘાનિસ્તાનમાં આજે સવારે જબરજસ્ત ધડાકો થયો છે. કાબુલ એરપોર્ટના ઇસ્ટ ગેટને નિશાન બનાવીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યો. તેમાં એક વ્યક્તિ મૃત્યુ પામી છે, જ્યારે ચાર વ્યક્તિ ઘાયલ થઈ છે. બ્લાસ્ટની જવાબદારી તાલિબાને લીધી છે.

આ સ્યુસાઇડ એટેકમાં વિદેશી સૈનિકોને ટાર્ગેટ કરવાની કોશિશ કરાઇ હતી. જાણકારી મુજબ એરપોર્ટથી ઇસ્ટ ગેટનો વધુ પડતો ઉપયોગ મોટા ભાગે નાટો અને અમેરિકી સૈનિકો આવવા જવા માટે કરે છે. અફઘાન ગૃહ મંત્રાલયના પ્રવક્તા સાદિક સિદ્દીકીએ જણાવ્યું કે હામિદ કરજાઇ એરપોર્ટના પૂર્વ ભાગમાં એક્સ્પ્લોઝન ભરેલી એક ગાડીમાં બ્લાસ્ટ થયો છે. એરપોર્ટની પાસેના એરિયામાં ફાયરિંગની પણ માહિતી છે. કારમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો.

તાલિબાન સાથે વાતચીત શરૂ કરવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ રહિમ શરીફ રવિવારે કાબુલ પહોંચ્યા. જનરલ શરીફે પોતાની એક દિવસની યાત્રામાં રાષ્ટ્રપતિ ગની, અન્ય સિવિલ અને ફોજી અધિકારીઓ સાથે મિટિંગ કરી. કાબુલ ઇચ્છે છે કે પાકિસ્તાન પોતાનો પ્રભાવનો ઉપયોગ કરી તાલિબાની હુમલા કરતાં રોકે. સાથેસાથે તાલિબાનને રાજનીતિની મુખ્ય ધારામાં પરત ફરવા પણ રાજી કરે. અફઘાનિસ્તાન હાલમાં પાકિસ્તાનથી ખુશ નથી, કેમ કે તાલિબાન આતંકી અફઘાનિસ્તાનમાં હુમલા કરીને પાકિસ્તાનમાં છુપાઇ જાય છે.

અફઘાનિસ્તાનમાં નાટોના જનરલ જોન કેમ્બેલે કહ્યું કે તાજેતરમાં કાબુલ એરફોર્સ સહિત રાજધાનીની અંદર મોટા હુમલા થયા છે તેમાં સિવિલિયન સહિત ૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કાબુલમાં એવી હાલત થઇ છે કે રોજ ૧૦ આતંકી હુમલા નિષ્ફળ કરવામાં આવે છે. તેમ છતાં પણ છેલ્લા છ મહિનામાં માત્ર કાબુલમાં ૧૨૦૦થી વધુ મૃત્યુ થયાં છે. આતંકીઓ હવે હાઇપ્રોફાઇલ હુમલાને અંજામ આપી રહ્યા છે.

યુનાઇટેડ નેશન્સ આસિસ્ટન્ટ મિશન ઇન અફઘાનિસ્તાન મુજબ ગયા વર્ષે શરૂઆતના છ મહિનામાં કાબુલમાં ૩૦૦થી વધુ મૃત્યુ થયા હતા. અફઘાનિસ્તાનની ડિફેન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ આખા દેશમાં આતંકી હુમલાઓને કારણે સિક્યોરિટી ફોર્સના જવાનોનાં મૃત્યુના આંકડામાં ૭૫ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪માં ૪૬૩૪ અફઘાન જવાન આતંકી હુમલામાં શહિદ થયા હતા.

You might also like