પાક. બાદ અફઘાનમાં આત્મઘાતી આતંકવાદી હુમલોઃ ૧રનાં મોત

કાબુલ: પાકિસ્તાનમાં પેશાવરની યુનિવર્સિટી બાદ અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં રશિયન દૂતાવાસ પાસે એક આત્મઘાતી હુમલાખોરે એક મિની બસને નિશાન બનાવતાં ૧ર લોકોનાં મોત થયાં હતાં અને ર૪થી વધુ લોકો ઘાયલ થયા હતા. કોઇ આતંકી સંગઠને હજુ સુધી અા હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જે જગ્યાએ હુમલો થયો તેની બાજુમાં જ સંસદની ઇમારત આવેલી છે.

અફઘાની ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે જે રસ્તા પર વિસ્ફોટ થયો તે દારૂલ અમન મહેલની તરફ જાય છે. જેનું નિર્માણ અફઘાન શાહ અમાનુલ્લાખાને કરાવ્યું હતું. આ વિસ્ફોટથી આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઇ ગયા હતા.

બોમ્બ વિસ્ફોટ બાદ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડનાં વાહનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયાં હતાં. તાજેતરમાં તાલિબાન શાંતિ વાર્તાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તાજેતરમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન અને અમેરિકાના પ્રતિનિધિઓઅે કાબૂલમાં અેક બેઠક યોજી હતી. જેનો હેતુ ૧૪ વર્ષના તાલીબાની આતંકવાદનો અંત લાવવાનો હતો. આ શાંતિ પ્રક્રિયાને અવરોધવા આ હુમલો થયો હોવાનું કહેવાય છે.

You might also like