હું સુહાના અને આર્યન પાસેથી સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરતા શીખી ગયો છુંઃ શાહરૂખ ખાન

બોલિવૂડના બાદશાહ ખાનને હવે જિંદગીના આ પડાવ પર પોતાને લઇ કોઇ ખાસ ઇચ્છા નથી. તે કહે છે કે હું પહેલાં એવી ઇચ્છા રાખતો હતો કે ખૂબ કામ કરું, સારું કામ કરું અને પૈસા તેમજ નામ કમાઉં, પરંતુ હવે મારાં બાળકો માટે કામના કરું છું કે તેઓ સ્વસ્થ રહે, સારી રીતે રહે અને નામના મેળવે. જ્યારે બાળકો મોટાં થઇ જાય છે ત્યારે આપણે તેમની પાસેથી કંઇક ને કંઇક શીખતાં હોઇએ છીએ. આજકાલનાં બાળકો ખૂબ જ સ્માર્ટ અને ફોક્સ્ડ છે. તેઓ ઇમાનદાર પણ હોય છે. હું મારાં મોટાં બે બાળકો આર્યન અને સુહાના પાસેથી એક સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરવાનું શીખી રહ્યો છું.

પોતાના વિકાસમાં કઇ વસ્તુનું વધુ મહત્ત્વ રહ્યું એ અંગે વાત કરતાં શાહરુખ કહે છે કે મને હંમેશાં એવું જ લાગે છે કે તમે મહેનત કરશો તો બધું સરળ બની જશે. જો દુઃખી હશો તો પણ મહેનત કરવાથી તમે સુખી બનશો. પરેશાન હો તો કામ કરો, તેનાથી જ તમામ મુશ્કેલીઓ હળવી બનશે.

શાહરુખના જણાવ્યા અનુસાર સ્ટારડમની પરિભાષા અલગ છે. તે કહે છે સ્ટારડમ માત્ર એક એક્ટરની મહેનતનું પરિણામ નથી. તેની પાછળ ઘણા બધા લોકોનો હાથ હોય છે. અમે તો એક્ટિંગ કરીએ છીએ, પરંતુ ફિલ્મનાં ઘણાં કામ હોય છે, જે ટીમવર્કમાં પૂરાં થાય છે. ફિલ્મ પરદા પર જે દર્શાવાય છે તે સ્ટારડમ તમારું એકલાનું હોતું નથી, તેની સાથે અમારા સ્ટાફની પણ મહેનત હોય છે. •

You might also like