ખાંડનું ઉત્પાદન ૫૦ ટકા ઘટે તેવાં એંધાણ

અમદાવાદ: દેશમાં પાછલાં બે વર્ષમાં દુષ્કાળ જેવી સ્થિતિ જોવાઇ હતી ત્યારે શેરડીના કુલ વાવેતરમાં જે રાજ્યનો ૩૦ ટકાથી વધુ હિસ્સો છે તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં શેરડીના વાવેતર વિસ્તારમાં ૫૦ ટકા ઓછું થાય તેવું અનુમાન છે. મહારાષ્ટ્રના સહકારી ખાંડ મિલ સંઘના આરંભિક અનુમાન બાદ વર્ષ ૨૦૧૬-૧૭માં ખાંડના ઉત્પાદનમાં ૪૫ લાખ ટનની ઘટ પડી શકે છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫-૧૬માં ૮૪ લાખ ટન અને વર્ષ ૨૦૧૪-૧૫માં ૧.૦૫ કરોડ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. મિલોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં શેરડીનો પાક લેતા કેટલાક જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિના કારણે શેરડીનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં ખાંડના ભાવમાં અત્યાર સુધી પ્રતિકિલોએ ૧૫ રૂપિયાથી વધુનો વધારો જોવાઇ ચૂક્યો છે ત્યારે ચાલુ વર્ષે ઓછા વાવેતરના કારણે ખાંડના ઉત્પાદનમાં ઘટ પડવાની શક્યતાઓ પાછળ ખાંડના ભાવમાં વધુ ઉછાળો આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

You might also like