ત્રણ સપ્તાહમાં ખાંડના ભાવમાં ૩૦ ટકાથી વધુનો ઉછાળો જોવાયો

અમદાવાદ: કેન્દ્ર સરકારે પાછલાં સપ્તાહે શુગર મિલોને રાહત મળે તે માટે રૂ.૮૦૦૦ કરોડનાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જો આ જાહેરાત બાદ તરત જ શુગર સેક્ટરમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો. છેલ્લાં ત્રણ સપ્તાહમાં ખાંડના ભાવમાં ર૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂકયો છે.

જે માર્ચ બાદનું સૌથી ઊંચુ સ્તર છે. બજારમાં સપ્લાય ઘટતાં તથા સ્ટોકિસ્ટોની લેવાલીનાં પગલે ખાંડની તેજીને સપોર્ટ મળ્યો છે. સ્થાનિક બજારમાં હાજર ‘ડી’ ગ્રેડ ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૩પ૦૦થી ૩૬૦૦ની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે ‘સી’ ગ્રેડની ખાંડમાં ભાવ ૩૬૦૦ થી ૩૭૦૦ના મથાળે પહોંચ્યો છે. આ અગાઉ ૧૯ મેના રોજ ‘સી’ ગ્રેડનો ખાંડનો ભાવ રૂ.ર૬૦૦ થી ર૭૦૦ની સપાટીએ જોવા મળ્યો હતો.

જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ સિઝનમાં ૩.૧પ કરોડ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જ્યારે પાછલાં વર્ષે ૪૦ લાખ ટન સ્ટોક જમા હતો. આમ, દેશમાં ખાંડની સ્ટોક ૩.પપ કરોડ ટન છે. દેશમાં ર.પ કરોડ ટન ખાંડની માગ છે જેની સામે ૧.૦પ કરોડ ટન ખાંડનો સપ્લાય વધુ છે. ઊંચા સપ્લાયનાં પગલે સરકારે ૩૦ લાખ ટન બફર સ્ટોકની જાહેરાત કરી છે.

એક બાજુ ઊંચું ઉત્પાદન તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં પણ નીચી કિંમતોનાં કારણે ઉત્પાદકો નિકાસ કરવામાં અસમર્થ રહ્યા હતા અને તેનાં કારણે સુગર મિલોની મુશ્કેલી વધી છે.દરમિયાન નીચા ભાવે સ્ટોકિસ્ટોની લેવાલી વધતાં ખાંડમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે.

દરમિયાન સ્થાનિક બજારમાં પણ એક મહિના પૂર્વે રીટેલમાં રૂપિયા ૩ર થી ૩૪ની સપાટીએ ડી ગ્રેડના ખાંડના ભાવ જોવા મળી રહ્યા હતા. હોલસેલ બજારમાં જોવા મળી રહેલા ઉછાળાના પગલે રીટેલમાં પણ તેની સીધી અસર જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં રીટેલમાં પણ સુધારો નોંધાઇ હાલ રૂપિયા ૩૪ થી ૪૦ની સપાટીએ ભાવ પહોંચી ગયા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે અગામી શ્રાવણ મહિનો તથા ત્યારબાદ દિવાળીના તહેવારો પૂર્વે ખાંડના ભાવમાં મજબુત સુધારાની ચાલ જોવા મળી શકે છે.

You might also like