તહેવારો નજીક આવતાં જ ખાંડના ભાવમાં મજબૂતાઈ

અમદાવાદ: દિવાળીના તહેવારોને માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્ટોકિસ્ટો દ્વારા કૃત્રિમ તંગી ઊભી કરાતા ખાંડના ભાવમાં મજબૂત સુધારો નોંધાતો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં ખાંડના ભાવ ૪૨ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ પહોંચી ગયા છે.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં સારી ક્વોલિટીની ખાંડની માગ ઊંચી રહેવાના કારણે ભાવ વધ્યા છે. તો બીજી બાજુ શુગર મિલોએ પણ ખાંડની ડિલિવરી ઘટાડતાં બજારમાં ખેંચ ઊભી થઇ છે, જેને કારણે ભાવમાં મજબૂતાઇની ચાલ જોવા મળી છે.

નોંધનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં ખાંડના ભાવમાં ૬થી ૮ રૂપિયાનો વધારો જોવાઈ ચૂક્યો છે. દરમિયાન ખાંડના ભાવમાં જોવા મળેલા સુધારા તરફી ચાલના પગલે આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવા સંબંધે પણ સરકાર ગંભીરતાતી વિચારી રહી છે. હાલ ખાંડ ઉપર આયાત ડ્યૂટી ૪૦ ટકા છે, જે ઘટાડીને ૩૦ ટકા કરવામાં આવે તો આયાતકારો દ્વારા ખાંડની વધુ આયાત થાય અને તેની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળે. એટલું જ નહીં ખાંડના ભાવમાં જે વધારો જોવા મળી રહ્યો છે તે અટકે તથા બજારમાં વધુ માલ આવવાના કારણે ભાવમાં ઘટાડા તરફી ચાલ જોવા મળે.

You might also like