શેરડીના મબલખ ઉત્પાદનના પગલે ખાંડના ભાવ બે વર્ષના તળિયે પહોંચ્યા

અમદાવાદ: ચાલુ વર્ષે શેરડીના મબલખ ઉત્પાદનના પગલે ખાંડના ભાવમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં ભારે આવક વચ્ચે ખાંડના જથ્થાબંધ ભાવમાં પણ ગાબડાં પડ્યાં છે. બે વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે. નોંધનીય છે કે સ્થાનિક બજારમાં ખાંડના હાજર જથ્થાબંધ ભાવ ‘સી’ ગ્રેડ રૂ. ૩૩૦૦-૩૩૫૦ની સપાટીએ પહોંચ્યા છે, જ્યારે ‘ડી’ ગ્રેડની ખાંડના ભાવ રૂ. ૩૨૦૦-૩૨૫૦ની સપાટીએ પહોંચી ગયા છે.

ઓક્ટોબર ૨૦૧૭ બાદ શેરડી પિલાણની સિઝન શરૂ થતાં ખાંડના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી દેશમાં ખાંડના ઉત્પાદનમાં ૪૫ ટકાનો વધારો નોંધાઇ ૨૮૧.૮ લાખ ટનની સપાટીએ પહોંચી ગયું છે, જે પાછલા વર્ષે આ જ સમયગાળામાં ૧૮૮.૯ લાખ ટન હતું.

હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં સતત ઘટતા જતા ભાવ અને વૈશ્વિક ખાંડના બજારોમાં પણ સારી કિંમત નહીં મળવાના કારણે ખાંડ મિલોને ખેડૂતોને નાણાં ચુકવણી કરવા પણ મુશ્કેલી અનુભવવી પડી રહી છે.

દરમિયાન રિટેલમાં પણ ચાલુ કેલેન્ડર વર્ષમાં મીડિયમ ક્વોલિટીની ખાંડનો ભાવ રૂ. ૨થી ૪ ઘટીને રૂ. ૩૫થી ૩૭ પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયા છે.

You might also like