ચાલુ વર્ષે ખાંડના ભાવ રૂ.૬૦થી વધવાની શક્યતા

નવી દિલ્હી: ખાંડનું ઉત્પાદન ઓક્ટોબરથી ફેબ્રુઆરીના પાંચ મહિનામાં ૧૯ ટકા ઘટીને ૧.૬૨ કરોડ ટનની સપાટીએ પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં પાણીની અછતવાળાં રાજ્યમાં શેરડીના ઓછા પાકના કારણે ખાંડના ઉત્પાદન પર પણ અસર જોવાઇ છે. નોંધનીય છે કે દેશમાં ખાંડનું ઉત્પાદન પાછલા ઓક્ટોબરથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં ૧.૯૯ કરોડ ટન હતું.
દુનિયામાં બ્રાઝિલ બાદ ભારતમાં ખાંડનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.

દરમિયાન સ્થાનિક બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં ખાંડનો પુરવઠો ઓછો આવી રહ્યો છે તો બીજી બાજુ સ્ટોકિસ્ટો દ્વારા પણ મોટા પ્રમાણમાં સ્ટોક અંકે થઇ રહ્યો છે. આ સંજોગોમાં વર્ષ ૨૦૧૬માં ખાંડના ભાવમાં પ્રતિકિલોએ રૂ. ૧૨થી ૧૪નો ઉછાળો નોંધાયો તે વર્ષ ૨૦૧૭માં પણ જોવાય તેવી શક્યતા છે અને ચાલુ વર્ષે ખાંડનો ભાવ રૂ. ૬૦ની સપાટી તોડે તો નવાઇ નહીં તેવો મત વેપારીઓ દ્વારા વ્યક્ત કરાયો છે. ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ૨૮ ફેબ્રુઆરી સુધી ૨૫૭ શુગર મિલો સતત શેરડીનું પિલાણ કરી રહી છે. આ અગાઉ વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૯૦ શુગર મિલો પિલાણ કરી રહી હતી.

આ અગાઉ મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનાના સમયગાળા દરમિયાન ઉત્પાદન ઘટીને ૪૧.૧ લાખ ટન રહ્યું હતું, જે એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં ૭૦.૫ લાખ ટન થયું હતું, જ્યારે કર્ણાટકમાં આ સમયગાળામાં ઉત્પાદન ૨૦.૫ લાખ ટન થયું હતું. પાછલા વર્ષે આ જ સમયગાળામાં ૩૬.૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. શુગર મિલ્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ભારતમાં શેરડીના પાકને અસર થવાથી ખાંડના ઉત્પાદન ઉપર અસર થઇ છે.
http://sambhaavnews.com/

You might also like