ધુળેટી પૂર્વે ખાંડના ભાવમાં અપ ટ્રેન્ડ

અમદાવાદ, શુક્રવાર
ચાલુ વર્ષે શેરડીના મબલખ પાકના પગલે ખાંડના ભાવમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી હતી, જોકે સરકારે ઘટતા ભાવના પગલે તથા આયાત અટકાવવા ૫૦ ટકા વધુ આયાત ડ્યૂટી નાખી ૧૦૦ ટકા કરી દેતા ખાંડની આયાત અટકી છે, પરંતુ મિલોમાંથી માલની ઓછી આવકના પગલે ધુળેટી પૂર્વે સ્ટોકિસ્ટોની તથા હોલસેલર્સની મોટા પ્રમાણમાં ખરીદીના પગલે ખાંડના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે.

માત્ર ૧૦ જ દિવસમાં ખાંડના હોલસેલ ભાવમાં ૧૦થી ૧૨ ટકાનો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે. સ્થાનિક બજારમાં સી ગ્રેડની ખાંડના હોલસેલ ભાવ ક્વિન્ટલે ૩૬૦૦તી ૩૭૦૦ની સપાટીએ પહોંચ્યા છે, જ્યારે ડી ગ્રેડની ખાંડનો ભાવ ૩૫૦૦થી ૩૬૦૦ની સપાટીએ પહોંચી ગયો છે.

હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે ધુળેટીના પર્વના પગલે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત દેશના મોટાં રાજ્યોના હોલસેલ વેપારીઓ દ્વારા ખાંડની ડિમાન્ડ વધતાં ખાંડના ભાવમાં માત્ર ૧૦ જ દિવસમાં ૧૦થી ૧૨ ટકાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

બીજી બાજુ આયાત ડ્યૂટીમાં વધારો કરાતા નવી આયાત બંધ થતા તેની અસર બજાર પર જોવા મળી છે. હોલસેલ વેપારીઓના કહેવા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતા આગામી દિવસોમાં ખાંડના ભાવમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે.

જોકે હોલસેલ બજારમાં જોવા મળેલા સુધારા બાદ રિટેલમાં સી ક્વાેલિટી ૩૮થી ૪૦ની સપાટીએ જોવા મળે છે. રિટેલમાં હાલ ખાસ કોઇ વધારાન ચાલ જોવા મળી નથી. આગામી દિવસોમાં રિટેલમાં પણ સુધારો જોવા મળી શકે તેવો મત વેપારીઓ દ્વારા વ્યક્ત કરાયો છે.

You might also like