ખાંડ કડવી બનીઃ એક વર્ષમાં ભાવમાં રર ટકાનો ઉછાળો

નવી દિલ્હી: છેલ્લા એક વર્ષમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત રર ટકા વધીને પ્રતિ કિલો રૂ.૪ર.૪૩ સુધી પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકારે આ જાણકારી રાજ્યસભામાં આપી હતી. કેન્દ્રએ જણાવ્યું હતું કે સપ્લાય અને પ્રાઇસની સ્થિતિ પર સતત તેની નજર છે. ફૂડ એન્ડ કન્ઝયુમર અફેર્સ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન સી.આર. ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ૧પ માર્ચ ર૦૧૭ સુધીમાં ખાંડની ઓલ ઇન્ડિયા એવરેજ રિટેલ પ્રાઇસ રર.૧૭ ટકાના ઉછાળા સાથે પ્રતિ કિલો રૂ.૪ર.૪૩ સુધી પહોંચી ગઇ છે, જે એક વર્ષ પહેલાં રૂ.૩૪.૭૩ની સપાટી પર હતી.

તેમણે જણાવ્યું હતું કે સરકારે ખાંડના ડીલરો પર સ્ટોક હોલ્ડિંગ અને ટર્નઓવર લિમિટસ નિર્ધારિત કરવા માટે આદેશ જારી કર્યા છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોઇ પણ પ્રકારની સટ્ટાબાજી, જમાખોરી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ રોકવા માટે આ ઓર્ડરનો અમલ કરવા સલાહ આપવામાં આવી છે.

ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે નિકાસને બ્રેક મારવા માટે ખાંડની નિકાસ પર ર૦ ટકા કસ્ટમ ડયૂટી લાદવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિયમિત રીતે પુરવઠો અને કિંમતની સ્થિતિ પર વોચ રાખવામાં આવી રહી છે અને યોગ્ય સમયે જરૂરી પગલાં લેવામાં આવશે. ર૦૧૬-૧૭ માર્કેટિંગ વર્ષમાં ખાંડનું ઉત્પાદન ઘટીને બે કરોડ ટન રહેવાનું અનુમાન છે.

You might also like