ખાંડ અને ગોળના ભાવ વચ્ચેનો તફાવત ઘટ્યો

અમદાવાદછ હોળાષ્ટક બાદ ખાંડની ડિમાન્ડમાં ઉછાળો જોવા મળ્યો હતો. વાયદા બજારમાં પણ આગઝરતી તેજીની પાછળ હાજર બજારમાં પણ ખાંડમાં ઉછાળો નોંધાયો હતો, જેના પગલે હાજર બજારમાં પ્રતિ ક્વિન્ટલ પાછલાં એક જ મહિનામાં રૂ. ૪૦૦થી ૬૦૦નો ઉછાળો જોવાયો હતો.

રિટેલમાં પણ તેની સીધી અસર નોંધાતાં ખાંડના છૂટક ભાવ  રૂ. ૪૦ની સપાટીની નજીક પહોંચી ગયેલા જોવા મળ્યા હતા. આમ, એક મહિનામાં જ ચારથી છ રૂપિયાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ ગોળના ભાવમાં પણ પાછલા એક મહિનાથી કોઇ મોટી વધ-ઘટના અભાવ વચ્ચે સ્થિર ચાલ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં ગોળનો ભાવ પ્રતિ કિલોએ ૪૦થી ૪૫ રૂપિયાની વચ્ચે જોવા મળી રહ્યો છે. અગાઉ ખાંડનો ભાવ ગોળના ભાવ કરતા ઓછાે હતો અને પ્રતિકિલોએ આ અંતર રૂ. ૧૦થી ૧૫ વચ્ચેનું હતું, પરંતુ તાજેતરમાં વાયદા બજારમાં જોવા મળેલા ઉછાળાના પગલે અને તહેવારોની માગની અસરે ખાંડ અને ગોળના ભાવમાં હવે અંતર ઘટી ગયું છે.

હાલ ભાવમાં માત્ર ચારથી છ રૂપિયાનું જ અંતર જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શિયાળા કરતાં ઉનાળામાં ડિમાન્ડ ઓછી હોવાના કારણે ગોળના ભાવમાં ખાસ કોઇ મોટી વધ-ઘટ જોવા મળતી નથી.

You might also like