ખાંડના ભાવ પાછલા એક વર્ષમાં ૩૦ ટકા વધ્યા

અમદાવાદ: એક વર્ષમાં ખાંડના ભાવમાં ૩૦ ટકાથી વધુનો વધારો જોવાઇ ચૂક્યો છે. સ્થાનિક બજારમાં છૂટકમાં મીડિયમ ક્વોલિટીની ખાંડ રૂ. ૪૨થી ૪૪ના ભાવે વેચાઇ રહી છે, જે એક વર્ષ અગાઉ રૂ. ૩૪થી ૩૬ના ભાવે વેચાતી હતી. હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે શેરડીના ઓછા ઉત્પાદનના કારણે પીલાણ માટે શેરડીની ઓછી આવક થઇ રહી છે, જેના પગલે શુગર ફેક્ટરીઓમાંથી બજારમાં આવક ખૂબ જ ધીમી થઇ રહી છે. તેના કારણે હોલસેલ બજારમાં પાછલા એક જ વર્ષમાં ખાંડના ભાવમાં પ્રતિ ૧૦૦ કિલોએ રૂ. ૧૦૦૦થી ૧૨૦૦નો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે.

સ્થાનિક હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ધુળેટી પૂર્વે માગ વધવાની શક્યતાઓ પાછળ સ્ટોકિસ્ટો સ્ટોક વધારી રહ્યા છે ત્યારે બજારમાં શોર્ટ સપ્લાયના પગલે ખાંડના ભાવમાં વધુ વધારો થાય તેવી ભીતિ વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

દરમિયાન ‘એ’ ક્વોલિટીની ખાંડના ભાવમાં પણ મજબૂત સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર બાજુથી ખાંડની ઓછી આવકની અસર પણ સ્થાનિક બજારમાં જોવા મળી છે.
http://sambhaavnews.com/

You might also like