VIDEO: રાજ્યમાં વાતવરણ પલ્ટાયું, આકાશમાં છવાયા વાદળા

ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. કેટલાક જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતાં. અપર એર સાયલોનિક અસર સર્જાતા વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો.

 

 

આગામી 24 કલાક સુધી વાતાવરણ વાદળછાયું રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, એક તરફ પાકને નુક્સાન થઈ રહ્યું છે તો બીજી તરફ કેરી જેવા ફળોને પણ કમોસમી વરસાદની ખાસ્સી આડઅસર થઈ રહી છે.

હવામાન વિભાગે આમ પણ આગાહી કરી છે કે, આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે, તેવામાં અમદાવાદમાં પણ માર્ચ મહિનાના મધ્યથી જ કાળઝાળ ગરમી શરુ થઈ ગઈ હતી. એપ્રિલ મહિનો અડધો થવા આવ્યો છે, ત્યારે જ આકરા ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ તરફ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કચ્છમાં ભારે ગરમીબાદ વરસાદી ઝાપટા પડયા હતાં. કચ્છના ભુજ, માનકુવા, આદેસર, બશીત સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે કરા પણ પડયા હતાં. જો કે, અસહ્ય ગરમી બાદ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આપને જણાવી દઇએ કે આ પહેલા પણ હિમાલય પર્વતમાળામાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રવિવારે રાજ્યના સૌરાષ્ટ્રના અનેક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો.

આ તરફ ડાંગ જિલ્લાના કાલીબેલ અને સરવર ગામ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં ખીસા, મોણવેલ, ભાડે સહિતના ગામોમાં વરસાદ પડયો છે. રાજ્યના બનાસકાંઠા જિલ્લાના અમરીગઢ, ઈકબાલગઢ સહિતના વિસ્તારોમાં છાંટા પડયા હતા.

જામ ખંભાળીયાના ભણખોખરી,ભાણવારી,મોટી ખોખરી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ થયો કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો આ સાથે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને ઠેર-ઠેર ઝાપટા પડ્યાં હતા.

You might also like