પાક. ટેન્કોનું બચવું મુશ્કેલ બનશેઃ ATGM મિસાઈલનું સફળ પરીક્ષણ

(એજન્સી) જેસલમેર: ડીઆરડીઓએ ગઈકાલે જેસલમેરની પોખરણ ફાયરિંગ રેન્જમાં મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ડીઆરડીઓ સૈન્ય નિષ્ણાતોની હાજરીમાં આ મિસાઈલની યુઝર ટ્રાયલ કરાઈ જે સંપૂર્ણ સફળ રહી હતી. પરીક્ષણમાં મિસાઈલે પોતાની મહત્તમ મારક ક્ષમતા અઢી કિ.મી.ના અંતર સુધી જઈને પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યું હતું.

હજુ સુધી આ મિસાઈલનું નામકરણ થયું નથી. હજી પરીક્ષણ ચાલી રહ્યું છે. રક્ષા સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભારતીય સૈના દેશી હથિયારો દ્વારા પોતાની તાકાતને વધુ મજબૂત કરવામાં લાગી છે. તે અંતર્ગત ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલા આ મિસાઈલનાં પરીક્ષણોથી થયેલા ધમાકાથી પોખરણ રેન્જ ગૂંજી ઊઠી હતી. સેના અને ડીઆરડીઓના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંપન્ન થયેલી યુઝર્સ ટ્રાયલ દરમિયાન મિસાઈલે પોતાના ટાર્ગેટ પર હીટ કરવામાં સફળતા મેળવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે આ મિસાઈલનું પરીક્ષણ મહારાષ્ટ્રના અહમદનગરમાં કરાયું હતું ત્યાર બાદ સેનાને સોંપવા માટે હવે યુઝર્સ ટ્રાયલ કરવામાં આવી રહી છે. યુદ્ધ ક્ષેત્રમાં સેનાના જવાનો દ્વારા ખભા પર રાખીને એન્ટી ટેન્કની સેનાને આવશ્યકતા હોય છે. સેના હાલમાં ફ્રાન્સની મિલાન અને રશિયાની કોકુર એન્ટી ટેન્ક મિસાઈલથી કામ ચલાવી લે છે, પરંતુ આ બંને બીજી પેઢીના મિસાઈલ છે. સેનાને પ્રાથમિકતાના આધારે ત્રીજી શ્રેણીના મિસાઈલની આવશ્યકતા છે.

You might also like