સફળ ક્રિકેટર ટીમ ઇન્ડિયાના નિષ્ફળ કોચ સાબિત થયા છે

અમદાવાદઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે અનિલ કુંબલેની પસંદગી થઈ ચૂકી છે. વર્ષ ૨૦૦૦ સુધી કપિલદેવ ભારતીયના રૂપમાં ટીમ ઇન્ડિયાનો અંતિમ કોચ હતો, ત્યાર બાદ છેક હવે અનિલ કુંબલે ટીમ ઇન્ડિયાનો કોચ બન્યો છે. ત્યાર બાદ વિદેશી કોચનો દબદબો રહ્યો હતો.

વિદેશી ક્રિકેટરને ટીમ ઇન્ડિયાના કોચ બનાવવા પાછળ ભારતીય કોચની નિષ્ફળતા હતી. બીસીસીઆઇએ જ્યારે કપિલને ૧૯૯૯માં કોચ બનાવ્યો હતો ત્યારે એવી આશા રાખવામાં આવી રહી હતી કે કપિલ અને સચીનની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા સારું પ્રદર્શન કરશે, પરંતુ એવું થયું નહીં. એ દરમિયાન ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. ભારત કાંગારુંઓ સામે ટેસ્ટ શ્રેણી હાર્યું હતું. ૧૨ વર્ષ બાદ એવું થયું હતું, જ્યારે ભારત ઘરઆંગણે કોઈ શ્રેણી હાર્યું હતું.

આ ખરાબ પ્રદર્શનને કારણે સચીને કેપ્ટનશિપ છોડવી પડી હતી. પછી ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન ડે શ્રેણી જીત્યું હતું, ત્યારે પણ કોચ કપિલ હતો, પરંતુ એ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન િવરુદ્ધ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો અને ઘણા ભારતીય ખેલાડીઓનાં નામ પણ ફિક્સિંગમાં બહાર આવ્યાં હતાં. પછી ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મનોજ પ્રભાકરે કપિલદેવ પર ૧૯૯૪ની શ્રેણી દરમિયાન ખરાબ રમવા માટે લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો અને જબરદસ્ત વિવાદ થયો હતો અને કપિલે કોચપદ છોડવું પડ્યું હતું. જોકે તપાસ બાદ કપિલ નિર્દોષ છૂટી ગયો હતો.

બીસીસીઆઇ ઘણા ફેરફાર કર્યા
૧૯૯૬થી લઈને ૧૯૯૯ સુધી બીસીસીઆઇએ ચાર કોચ બદલ્યા હતા. ૧૯૯૬માં સંદીપ પાટીલને ટીમ ઇન્ડિયાનો કોચ બનાવાયો, પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ તેને હટાવી દેવામાં આવ્યો. પછી ૧૯૯૬માં મદનલાલ ટીમ ઇન્ડિયાનો કોચ બન્યો. એ વર્ષ પછી એટલે કે ૧૯૯૭માં મદનલાલને હટાવીને અંશુમાન ગાયકવાડને ટીમ ઇન્ડિયાનો કોચ બનાવાયો. અંશુમાન ગાયકવાડ બે વર્ષ સુધી એટલે કે ૧૯૯૭થી ૧૯૯૯ સુધી ટીમ ઇન્ડિયાનો કોચ રહ્યો. ગાયકવાડના ગયા બાદ કપિલે ૧૯૯૯માં આ પદ સંભાળ્યું હતું.

કપિલ બાદ ન્યૂઝીલેન્ડનો જ્હોન રાઇટ ભારતીય ટીમનો કોચ બન્યો હતો. તે પાંચ વર્ષ સુધી ટીમ ઇન્ડિયાનો કોચ રહ્યો. જ્હોન રાઇટ સારો કોચ સાબિત થયો. તેણે તેના કાર્યકાળમાં ભારતીય ટીમે ઘણી શ્રેણીઓ જીતી હતી. જ્હોન રાઇટ બાદ ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલ ટીમ ઇન્ડિયાનો કોચ બન્યો. ચેપલ ટીમ ઇન્ડિયા માટે ખરાબ કોચ સાબિત થયો. ચેપલ ટીમ ઇન્ડિયાના દરેક નિર્ણય જાતે જ લેવા ઇચ્છતો હતો. ચેપલ વિરુદ્ધ ઘણા ખેલાડીએ બોર્ડને ફરિયાદ પણ કરી હતી. ખેલાડીનું કહેવું હતું કે ચેપલ પોતાની જાતને ટીમ ઇન્ડિયાનો બોસ સમજે છે. ચેપલ ઘણા સિનિયર ખેલાડીને ટીમમાંથી હાંકી કાઢવા માગતો હતો, જે અંગે તેની આકરી ટીકાઓ થઈ હતી.

ગેરી કર્સ્ટને ૨૦૦૮માં કોચ તરીકે ટીમ ઇન્ડિયાનો કાર્યભાળ સંભાળ્યો. ૨૦૧૧ સુધી કર્સ્ટન કોચ રહ્યો અને એ દરમિયાન ટીમ ઇન્ડિયાએ ઘણી શ્રેણી જીતી. કેપ્ટન ધોની અને કર્સ્ટનની સમજથી ટીમ ઇન્ડિયા નવી ઊંચાઈએ પહોંચી. ટીમ ઇન્ડિયાએ ૨૦૦૮ અને ૨૦૦૯ વચ્ચે સતત પાંચ વન ડે શ્રેણી જીતી. કર્સ્ટનની સૌથી મોટી ઉપલબ્ધિ જે રહી એ હતી ટીમ ઇન્ડિયાની ૨૦૧૧ના વર્લ્ડકપમાં જીત, જ્યારે ભારતે ૨૮ વર્ષ પછી વર્લ્ડકપ જીત્યો હતો. ગેરી ત્યારે ટીમ ઇન્ડિયાનો કોચ હતો.

૨૦૧૧થી ૨૦૧૫ સુધી ડંકન ફ્લેચર ટીમ ઇન્ડિયાનો કોચ રહ્યો. પછી ૨૦૧૫ બાદ ભારતીય ટીમને કોઈ કોચ મળ્યો નહીં, રવિ શાસ્ત્રી ટીમ ડિરેક્ટરના રૂપમાં જવાબદારી સંભાળી રહ્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે બીસીસીઆઇએ સંજય બાંગરની વચગાળાના કોચના રૂપમાં નિમણૂક કરી હતી.

You might also like