જીવનમાં સફળતા કે સફળ જીવન?

‘ત્રણેક વર્ષથી આપની કથા રસપૂર્વક સાંભળું છું. એમાંથી પ્રેરણા પામીને જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. વર્તમાન સમયમાં વ્યવસાયનું ક્ષેત્ર પસંદ કરવામાં મૂંઝવણ અનુભવી રહ્યો છું. યોગ્ય નિર્ણય લેવા માટે આપનું માર્ગદર્શન ઇચ્છું છું’ – એક શ્રોતાનો સંવેદનાસભર પ્રશ્ન.

‘ચોક્કસ ભાઈ! આપણા પુરુષાર્થને સફળ કરવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે સચોટ માર્ગ બતાવ્યો જ છે. સ્વધર્મનું આચરણ કરે તે અવશ્ય સફળતા પામે જ છે.’

‘આપની વાત સાચી છે, પરંતુ હું સ્વધર્મ નક્કી કરી શકતો નથી. એ સમસ્યાનો હલ શોધવા માટે જ આપની પાસે આવ્યો છું. મને શ્રદ્ધા છે કે, શાસ્ત્ર અને અનુભવના સમન્વય દ્વારા આપ મને સફળતાની યાત્રાનું આરંભબિંદુ ચીંધી શકશો.’ -આવનાર સ્વજને પોતાની લાગણી વ્યક્ત કરી.

‘તારી મૂંઝવણ શું છે તે જણાવ.’

‘મેં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. બાપ-દાદાઓના વ્યવસાય સુથારી કામમાં પણ સારી એવી સમજ પડે છે. ચિત્રકામનો ખૂબ શોખ છે અને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગની આંટીઘૂંટીઓ કોઠાસૂઝથી ઉકેલી શકું છું.’ એ યુવાને પોતાની વાત રજૂ કરી.

‘ખૂબ સરસ!’ મેં એની પીઠ થાબડતાં કહ્યું, ‘આટલી બધી કુશળતાઓ ધરાવતો હોવા છતાં તું મૂંઝાય છે શા માટે? મિત્ર, મને એક પ્રશ્નનો જવાબ શાંતિથી વિચાર કરીને આપ. સમયની મર્યાદા ન હોય અને પૈસા કમાવાનું બંધન ન હોય તો તું આમાંની કઈ પ્રવૃત્તિ પસંદ કરે?’
‘અંઅંઅં…સુથારી કામ!’ આંખમાં ચમક સાથે એેણે ઉત્તર આપ્યો.

‘તો પછી રાહ શેની જુએ છે, મિત્ર? સુથારી કામ એ તારો સ્વધર્મ છે. ત્યાંથી જ તું શરૂઆત કર. હવે આપણે એમાં બીજી આવડતો ઉમેરીને તારી કારકિર્દીનો નકશો તૈયાર કરીએ. એન્જિનિયરિંગના અભ્યાસની ચોકસાઈ, ચિત્રકામની સર્જનશીલતા અને કમ્પ્યૂટર પ્રોગ્રામનો સમન્વય કરી તું ફર્નિચર ક્ષેત્રે કંઈક આગવું પ્રદાન કરી બતાવ!’

દૃઢ સંકલ્પ અને ચહેરા પર સ્મિત લઈ એ યુવાન ઊભો થયો. એક દાયકાના પુરુષાર્થ પછી આજે એ યુવક ઘર અને ઓફિસ ફર્નિચરના ક્ષેત્રમાં અગ્રણી ડિઝાઈનર ગણાય છે અને પોતાની બ્રાન્ડ નિર્માણ કરી એના છ સ્ટોર ચલાવી રહ્યો છે. મહેનત અને કુશળ આયોજનના પરિણામે પ્રાપ્ત થયેલી સફળતાનો આનંદ અને આત્મવિશ્વાસ એના વ્યક્તિત્વમાં સતત વ્યક્ત થાય છે.

સતત ત્રણ દાયકાથી અધ્યાત્મ ક્ષેત્રે સર્જનાત્મક વ્યસ્તતાનો કારણે સમાજના વિવિધ સ્તરના અસંખ્ય લોકોનો પરિચય થયો છે. કોઈ શાયરે કહ્યું છે-

ઐસે વૈસે કૈસે કૈસે હો ગયે
ઔર કૈસે કૈસે ઐસે વૈસે હો ગયે!
ઐસે વૈસે થી કૈસે કૈસે બનવાની યાત્રા તો સફળતાના પાઠ શીખવે જ છે, પરંતુ કૈસે કૈસેથી ઐસે વૈસે તરફનું અધઃપતન પણ મૂલ્યવાન બોધ આપે છે. પ્રયત્નની શરૂઆતથી સિદ્ધિના શિખર સુધીની યાત્રા દરમિયાન અનેક ઉતાર-ચઢાવ આવે છે એનો અનુભવ પ્રવાસીને અને એની પાછળ આવતાં અનેકને પ્રેરણા અને સાવધાનીનો સંકેત આપે છે. સફળતા પામવાનું કાર્ય જેમ પુરુષાર્થ માગે છે એમ સફળતા ટકાવી રાખવા માટે પણ સમજદારી આવશ્યક છે.

સફળતા પામવા માટે કોઈ ખાતરીપૂર્વકનો નુસખો કે પ્રક્રિયા હોઈ ન શકે. વળી, એક વ્યક્તિએ જે માર્ગે ચાલીને સફળતા હાંસલ કરી હોય એ જ માર્ગનું આંધળું અનુકરણ કરનારને પણ સફળતા મળે જ એવું નથી. સફળતા માટેની પ્યાસ ભીતરથી ઉદ્ભવે છે, એને પામવાના પ્રયાસ મૌલિક હોય છે અને એની ઉપલબ્ધિનો ઉજાસ ઊજવવાના પ્રકાર પણ વિવિધ હોય છે.

પ્રિય સ્વજન, ‘જીવનમાં સફળતા પામવી’ અને ‘જીવન સફળ બનાવવું’ એ બંને વચ્ચેનો તફાવત સમજી લેવા જેવો છે. જીવન દરમિયાન અવારનવાર નાની-મોટી સફળતાઓ પ્રાપ્ત કરતા રહી હરખાઈ જવું એ ખૂબ સામાન્ય ઘટના છે. અધ્યાત્મ પથનો યાત્રી આવાં ક્ષુલ્લક છોગાં એકઠાં કરવામાં પોતાનો સમય, શક્તિ કે સમજદારી વેડફતો નથી. એ પોતાનું ધ્યાન અને ઊર્જા સમગ્ર જીવનને સફળ બનાવવા તરફ કેન્દ્રિત કરે છે.

લક્ષ્યને સિદ્ધ કરતાં તીરની પ્રશંસા થાય એ સ્વાભાવિક છે, પરંતુ એ સફળતાની યાત્રાના પ્રારંભસ્થાન સમા ધનુષ્ય અને એની ખેંચાયેલી પણછનો ફાળો નાનો-સૂનો નથી હોતો. જીવન સફળ બનાવી જેમણે ધન્યતાનો અનુભવ કર્યો હોય એવાં જીવનચરિત્રોનો તુલનાત્મક અભ્યાસ કરતા એમની સફળતાનું રહસ્ય છ લાક્ષણિકતાઓમાં રહેલું જણાય છે.

૧. પ્રસન્ન મન: પ્રસન્નતા બાહ્ય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર આધારિત ન હોવી જોઈએ, પરંતુ મનનો સ્થાયી ભાવ હોવો જોઈએ. ભક્તો ભલભલા વિપરીત સંજોગોમાં પણ માનસિક સ્વસ્થતા ગુમાવતાં નથી. નરસિંહ મહેતા, મીરાંબાઈ, ગુરુ નાનક, તુકારામ, સુરદાસ કે તુલસીદાસ જેવા સંતોના જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં એમણે ક્યારેય ફરિયાદ કરી નથી.

૨. નિશ્ચિત ધ્યેય: મોટા ભાગના લોકો જીવનમાં કશું પ્રાપ્ત કરી શકતા નથી. એનું કારણ એમને શું જોઈએ છે એ જ તેઓ નક્કી કરી શકતા નથી. ધ્યેય એટલે જીવનની સમગ્ર પ્રવૃત્તિઓનું કેન્દ્ર. એ નિશ્ચિત થયા પછી જ જીવનને દિશા અને ગતિ મળે છે. દશવર્ષીય, પંચવર્ષીય અને વાર્ષિક લક્ષ્યાંકો નિશ્ચિત કરી એની સિદ્ધિ માટે પ્રબળ પુરુષાર્થ કરનાર વેપારી સફળ ગણાય છે. એ જ રીતે, ઈશ્વરાનુભૂતિનું લક્ષ્ય રાખી એ માર્ગે સતત પુરુષાર્થ કરનાર સાધક જ સફળતા પામી શકે.

૩. પડકારનો સ્વીકાર: મુશ્કેલીથી મૂંઝાઈ જઈ ગભરાટપૂર્વક પલાયન થનારો માનવ ખરેખર તો સફળતાથી દૂર ભાગતો હોય છે. કોઈ પણ પડકારભરી પરિસ્થિતિ આપણને હરાવી ન શકે, જયાં સુધી આપણે પોતે હાર સ્વીકારી ન લઈએ. તમામ સંઘર્ષોનો સમજણપૂર્વક સ્વીકાર કરી એમાંથી કુનેહપૂર્વક માર્ગ કાઢનારને જ સફળતા વરે છે.

૪. નમ્રતા: અહંકાર એ અધઃપતનની સીડીનું પહેલું પગથિયું છે. આધુનિક માનવ નમ્રતાના અભાવથી પીડાય છે. સફળતાનો નશો એને ઉદ્ધત બનાવે છે અને શાંતિ તથા પ્રસન્નતાને હણી નાખે છે. ફળ આવે ત્યારે વૃક્ષની ડાળ નીચી નમે છે. એ જ રીતે સંપત્તિ, સત્તા કે સન્માન પ્રાપ્ત કર્યાં પછી નમ્ર બનનાર વ્યક્તિ જ સમાજનો પ્રેમ અને આદર પામે છે. નદીના પ્રવાહમાં તરતો ઘડો જ્યાં સુધી નમતો નથી ત્યાં સુધી પાણીનું એક ટીપું પણ પામતો નથી, પરંતુ જે ક્ષણે એ ઝૂકે એ જ ક્ષણે નદી એને ભરપૂર કરી દે છે. ઘડાએ તો માત્ર નમવાની જ જરૂર હતી. બાકીનું સંપૂર્ણ કાર્ય કરવા માટે નદી તત્પર જ હતી. જેને નમતાં આવડે છે તે સ્વજનોનો સહકાર, વડીલોના આશીર્વાદ, સંતોની કૃપા અને અસ્તિત્વની ઊર્જા સહેલાઈથી પ્રાપ્ત કરે છે. મહાભારત યુદ્ધના આરંભે દુર્યોધનને પિતામહ ભીષ્મના આશીર્વાદ લેવાનો વિચાર પણ આવ્યો નથી, જ્યારે વિપક્ષે હોવા છતાં યુધિષ્ઠિરને પિતામહના ચરણસ્પર્શ કરવાનો ભાવ જાગ્યો. આ જાણી ભીષ્મે સજળ નયને યુધિષ્ઠિરને વિજયી થવાના આશીર્વાદ આપ્યા.

૫. કાર્ય પ્રત્યે શ્રદ્ધા: શ્રદ્ધા એ પ્રબળ શક્તિ છે, જેના દ્વારા અસંભવને સંભવ કરી શકાય છે. અન્ય વ્યક્તિ કે વિચાર પ્રત્યે શ્રદ્ધા નિર્માણ કરવી પ્રમાણમાં સરળ છે, પરંતુ કાર્ય પ્રત્યે શ્રદ્ધા રાખવી કઠિન છે. શ્રદ્ધા વિનાનું કાર્ય ઢસરડામાં પરિણમે છે, તેથી તેનો આનંદ આવતો નથી.

કાર્ય પ્રત્યે શ્રદ્ધા નિર્માણ કરવાનાં પાંચ પગથિયાં છે.
-ધ્યેય પ્રત્યે આકર્ષણ
-એની પ્રાપ્તિ માટે કાર્યની શરૂઆત
-કાર્ય પ્રત્યે આદરનિર્માણ
-કાર્ય પ્રત્યે સમર્પણ ભાવ
-કાર્ય પ્રત્યે શ્રદ્ધા
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે પ્રબોધેલો સ્વધર્મ એ શ્રદ્ધાપૂર્વક થયેલું કર્મ છે. કર્મ જો સ્વધર્મ બને તો જ એ શ્રદ્ધાપૂર્વક થઈ શકે અને કર્તાને સંતોષ તથા આનંદની ઉપલબ્ધિ કરાવી શકે. કાર્ય પ્રત્યેની શ્રદ્ધા કર્તામાં ઉત્સાહનો સંચાર કરે છે અને સમગ્ર અસ્તિત્વ એની સફળતા માટે અનુકૂળતા નિર્માણ કરે છે.

૬. સંવેદનાસભર બુદ્ધિપ્રતિભા: મનુષ્ય ઘણા વખતથી બુદ્ધિનો મહિમા કરતો રહ્યો છે. ઊંચો IQ (Intelligence Quotient) ધરાવનાર પ્રત્યે સહજ અહોભાવ ઊપજે છે, પરંતુ બુદ્ધિના ક્ષેત્રનું એક ભયસ્થાન સમજી રાખવા જેવું છે. કેવળ બુદ્ધિપ્રતિભા મનુષ્યને શુષ્કતા અથવા આસુરી વૃત્તિ તરફ ખેંચી જાય છે. સંવેદનહીન મનુષ્ય સ્વાર્થી અથવા તુંડમિજાજી બની, બુદ્ધિનો દુરુપયોગ કરી પોતાનો અને સમાજનો વિનાશ નોતરે છે. રાવણ, કંસ અને દુર્યોધન જેવાં પાત્રો બુદ્ધિશક્તિનો દુષ્પ્રયોગ કરી અધઃપતિત થયા છે. આધુનિક મનોવૈજ્ઞાનિકો EQ (Emotional Quotient)નું મહત્ત્વ સ્વીકારતા થયા છે. જોકે ગ્રીક તત્ત્વજ્ઞાની પ્લેટોએ સદીઓ પહેલાં કહેલું – All learning has an emotional base. શિક્ષણનો પાયો સંવેદનના ક્ષેત્રમાં હોવો જોઈએ. પીટર સેલોવી અને જોન મેયર ઈ.સ. ૧૯૯૦થી સંવેદનાસભર બુદ્ધિપ્રતિભાના ક્ષેત્રે સંશોધન કરી રહ્યા છે. ઈમોશનલ ઈન્ટેલિજન્સ દ્વારા વ્યક્તિ પોતાની અને બીજાની લાગણી અને સંવેદનાઓને સમજી, એનું યોગ્ય વિશ્લેષણ અને પ્રતિપાદન કરી, તે મુજબ પોતાના વિચાર અને પ્રતિભાવ નક્કી કરે છે.

એનરોન જેવી બહુરાષ્ટ્રીય કંપનીએ દેવાળું કાઢ્યું એ સમાચારે કોર્પોરેટ વિશ્વને હચમચાવી દીધું હતું. આટલી મોટી કંપની અચાનક આર્થિક સંકટમાં આવી પડે એના વિશે ખૂબ વિશ્લેષણ થયું. કોર્પોરેટ જગતના માંધાતાઓએ નિષ્કર્ષ જાહેર કર્યો કે, એનરોન પાસે શ્રેષ્ઠ બુદ્ધિપ્રતિભા ધરાવનાર ટેક્નિશિયનો હિસાબનીશો, વકીલો અને અન્ય સ્ટાફ હોવા છતાં એને બંધ કરવાનો વારો આવ્યો એનું કારણ તેઓ કંપની પ્રત્યે વફાદારીનો ગુણ ધરાવતા નહોતા. પોતાના ક્ષેત્રનું જ્ઞાન હોવા છતાં, પ્રામાણિકતા જેવો પ્રાથમિક સદ્ગુણ ન હોવાને કારણે તેઓ અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપી કંપનીને નષ્ટ કરનારી ઊધઈ બન્યા. આમ, E.Q. વગરનો I.Q. ઘાતક બની શકે છે.

I.Q. અને E.Q. ની સાથે S. Q.  (Spiritual Quotient) પણ અતિ આવશ્યક છે. જેમ કેવળ બુદ્ધિ મનુષ્યને ઉદ્વત બનાવે છે, તેમ લાગણીનો અતિરેક એને નિર્ણયશક્તિ રહિત અને વેવલો બનાવે છે, જ્યારે આધ્યાત્મિક પ્રતિભા ધરાવનાર વ્યક્તિ બુદ્ધિ અને સંવેદનનો સુયોગ્ય સમન્વય કરી સ્વયંની અને સમાજની સર્વતોમુખી ઉન્નતિ કરી શકે છે. આ છ લાક્ષણિકતાઓના સંપાદન દ્વારા પુરુષાર્થનો પ્રારંભ કરીએ. સમગ્ર જીવન સફળ કરી આપણને સૌને ધન્યતાનો અનુભવ થાય એ જ અભ્યર્થના!

ભૂપેન્દ્રભાઈ પંડ્યા

You might also like