સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજી વખત વધારો

નવી દિલ્હી: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસીડીવાળા ગેસ સિલિન્ડરના ભાવ બે મહિનામાં ત્રીજી વખત વધાર્યા છે. દિલ્હીમાં બુધવારે મધરાતથી સબસિડીયુકત ગેસ સિલિન્ડર રૂ.૧.૯૭ જેટલો મોંઘો થઇ ગયો હતો. જોકે સબસિડી વગરના ગેસ સિલિન્ડર અને વિમાન ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે પહેલી જુલાઇથી સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત સતત ત્રીજીવાર ઘટાડવામાં આવી છે. ત્રણ વખતમાં પ્રતિ સિલિન્ડરની કિંમત રૂ.૮ર ઘટાડાઇ છે. એ જ રીતે વિમાન ઇંધણના ભાવમાં પણ સતત બીજી વાર ઘટાડો કરવામાં આવ્યો છે.

દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં હવે સબસિડીવાળો ૧૪.ર કિલોગ્રામનો ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ.૪ર૩.૦૯ના બદલે રૂ.૪રપ.૦૬માં મળશે. આ રીતે સબસિડીયુકત ગેસ સિલિન્ડર ત્રણ વખત ભાવવધારા સાથે રૂ.પ.૮૮ મોંઘો થઇ ગયો છે. આ અગાઉ પહેલી જુલાઇથી તેની કિંમતમાં રૂ.૧.૯૮ અને ૧૬ ઓગસ્ટથી રૂ.૧.૯૩નો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ૧ સપ્ટેમ્બરથી તેની કિંમતમાં ત્રીજી વખત રૂ.૧.૯૭નો વધારો કરાયો છે.

સરકાર દ્વારા ઘરેલુ ગેસ પર સબસિડી ઘટાડવાની યોજનાના ભાગરૂપે આ વધારો કરવામાં આવ્યો છે. સરકાર ઘરેલુ ગ્રાહકોને વર્ષમાં પહેલા ૧ર સિલિન્ડર પર સબસિડી આપતી હતી. જ્યારે હવે તેનાથી વધુ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવતી નથી.

You might also like