રાહુલ પુરાવા રજૂ કરે અથવા જેલમાં જવા તૈયાર રહેઃ સ્વામી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાતા વ્યકિતગત ભ્રષ્ટાચાર અંગે પોતાની પાસે સ્ફોટક માહિતી હોવાના કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના દાવા પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી સામે બરાબર નિશાન તાકયું છે. સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે કાયદા અનુુસાર જો રાહુલ ગાંધી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આ પ્રકારની કોઇ સ્ફોટક માહિતી હોય તો તેમણે આ માહિતી પોલીસ કે કોર્ટને તાત્કાલિક સુપરત કરી દેવી જોઇએ.

સુબ્રમણ્યમ સ્વામીએે વધુમાં જણાવ્યું છે કે કોઇ પણ વ્યકિત પાસે કોઇ પણ ગુના અંગે માહિતી હોવા છતાં પોલીસ કે અદાલતને જણાવે નહીં તો તે વ્યકિતને ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સંસદ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કાયદાથી ઉપર નથી અને દેશના કાયદાથી બંધાયેલા છે. સીઆરપીસી મુજબ તેમણે પોલીસ સ્ટેશન કે અદાલતને આ માહિતી સુપરત કરી દેવી જોઇએ અન્યથા તેમને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે તેમની પાસે વડા પ્રધાન મોદીના વ્યકિતગત ભ્રષ્ટાચાર અંગે વિસ્તૃત માહિતી છે. રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ આ માહિતી લોકસભામાં રજૂ કરવા માગે છે, પરંતુુ તેમને ગૃહમાં બોલવા દેવામાં આવતા નથી.
http://sambhaavnews.com/

You might also like