કેજરીવાલ સામે કેસ કરવા સુબ્રમણ્યમ સ્વામીએ મંજૂરી માગી

નવી દિલ્હી: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબજંગનો સંપર્ક કરીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અટકાયત ધારા હેઠળ કેસ કરવાની મંજૂરી માગી છે. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ ‌િસસોદિયા સામે પણ કેસ કરવાની મંજૂરી માગી છે.

સુબ્રમણ્યમ સ્વામીનો એવો આક્ષેપ છે કે કેજરીવાલે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન કેટલીક ખાનગી કંપનીઓને ગેરકાયદેસર રીતે ફાયદો કરાવવાના બદલામાં પોતાના પક્ષ આમ આદમી પાર્ટીને ડોનેશન અપાવવામાં મદદ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ પત્ર લખ્યો છે કે મુખ્યપ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન કે.એન. એસોસિયેટ્સ લિ.ને ગેરકાયદેસર રીતે ફાયદો કરાવ્યો હતો. આ કામમાં તેમના તત્કાલીન નાણાં પ્રધાન મનીષ સિસોદિયાએ પણ મદદગારી કરી હતી.

You might also like