ભણતર જ જીવનમાં સર્વસ્વ નથી

નોબેલ ઈનામ જીતી શકવા જેવું અંગ્રેજી ગદ્ય ઈતિહાસકથા રૂપે લખનારા અને બીજું વિશ્વયુદ્ધ જીતી જવા જેટલા સમર્થ બનનારા વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ ભણવામાં મોટો ‘ઢ’ હતા. એ છેલ્લી પાટલી પર બેસતા. શાળાની કારકિર્દી તદ્દન કંગાળ હતી. વડા પ્રધાન થયા પછી પોતાની શાળાની મુલાકાતે ગયા ત્યારે શિક્ષકે હોંશેહોંશે પહેલી પાટલી ઉપર બેઠેલા હોશિયાર વિદ્યાર્થીને ઊભો કર્યો, પણ ચર્ચિલની નજર છેલ્લી પાટલી પર હતી. ત્યાં બેઠેલા છેલ્લા વિદ્યાર્થીને ઊભો કરીને ચર્ચિલે કહ્યું કે હિંમત હારીશ નહીં, હું પણ તારી જગાએ જ બેસતો હતો! બધા ઠોઠ વિદ્યાર્થીઓ મહાન બનતા નથી અને બધા તેજસ્વી વિદ્યાર્થીઓ જિંદગીમાં નિષ્ફળ જતા નથી. મુદ્દો એટલો જ છે કે શાળા-કૉલેજની કામગીરીના આધારે આખી જિંદગીની પરીક્ષાનું પરિણામ નક્કી કરી ન નાખીએ.
મહાત્મા ગાંધી મે‌િટ્રક પાસ હતા. પછી લંડન જઈને બેરિસ્ટર બન્યા. એ ગ્રેજ્યુએટ નહોતા. ભણવામાં એ હોશિયાર નહોતા, પણ પોતાનું ઘડતર જાતે કરવાની ત્રેવડ એ કમાઈ ચૂકેલા હતા. શાળા-કોલેજનું ભણતર અને ડિગ્રીની પ્રાપ્તિ એ જાણે બધાં દુઃખોનો અંત અને તમામ સુખનો આરંભ હોય તેવું સમજી બેઠા છીએ. આથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બધા એક સાથે નિરાશ થાય છે. પરીક્ષામાં ખૂબ ઊંચા માર્ક લાવનારને એક ચિંતકે એવા ફૂલછોડ સાથે સરખાવ્યા છે કે જે છોડ ખૂબ ફૂલો આપે છે પણ ફળ આપી શકતા નથી.
માર્કનાં ઝૂમખેઝૂમખાં, પણ જીવનમાં કાંઈ સિદ્ધિ નથી! મહર્ષિ અરવિંદે સફળ આઈ.સી.એસ. ઓફિસર બનવાનું છોડીને પરમ તત્ત્વની પાછળ પડવાનું નક્કી કર્યું. તેમણે એક અગમ્ય પ્રદેશના સાહસિક સાધક થવાનું પસંદ કર્યું તેમાં જ તેમની વિદ્યા બોલે છે. વિનોબા ભાવેએ મેટ્રિકનું સર્ટિફિકેટ ફાડી નાખ્યું હતું. એ પી.એચડી થયા હોત તો? એમના ભૂદાન સર્વોદયને બાજુએ રાખીને એમના ગીતા વિશેના અને અન્ય ગ્રંથો વાંચશો તોય તમને લાગશે કે તેઓ મહાજ્ઞાની હતા. મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર મેટ્રિક પાસ થયા નહોતા પણ તેમણે પોતાની જાતે અંગ્રેજી ઉપર એવું પ્રભુત્વ મેળવ્યું કે એક વાર એમની કવિતા અંગ્રેજી કવિઓને પણ ડોલાવી ગઈ. ‘ગીતાંજલિ’નાં કાવ્યોએ પશ્ચિમના જગતને જીતી લીધું. જેમણે વિજ્ઞાનની નવી શોધો કરી ઉદ્યોગો અને કારખાનાં સ્થાપ્યાં તે બધા માણસો ભણવામાં અચૂક હોશિયાર નહોતા. જરૂર કેટલાક ભણવામાં પણ હોશિયાર હશે પણ તેમની સિદ્ધિની સગાઈ તેમના ભણતર સાથે નહોતી. તેમની સફળતાના પાયામાં તેમની હૈયાઉકલત, તેમનો ઉદ્યમ, તેમની લગન અને તેમનું ધૈર્ય હતું. શાળા કે કૉલેજને શિક્ષણનો મંત્ર જાણવાના સ્થળ તરીકે જોવાની જરૂર નથી. શાળા અને કૉલેજમાં જરૂર જાઓ, વધુ ને વધુ ભણો, ગંભીરતાથી ભણો પણ અહીં મેળવેલી વિદ્યાને આત્મશિક્ષણના પૂર્ણવિરામ તરીકે જોવાની જરૂર નથી. શાળામાં કે કૉલેજમાં તમે કેટલી માહિતી કે આંકડા કંઠસ્થ કર્યા તેનું ખાસ મૂલ્ય નથી. તમે તમારી ગ્રહણશક્તિ, સમજણશક્તિ અને જ્ઞાનપિપાસાને કેટલી તીવ્ર બનાવી તે મહત્ત્વની વાત છે. શાળા-કૉલેજનું ભણતર જ્ઞાનની પિપાસાનું ઉત્તેજક પીણું (એપિટાઈઝર) બની રહેવું જોઈએ. જે જ્ઞાનની ભૂખ જગાડે. જીવનને સમજવાની અને માણવાની સંવેદનશક્તિ આપે. શિક્ષણ હજુ શિક્ષાર્થીને અંદરથી બદલવાનું કાર્ય કરતું નથી, તે તેની નિષ્ફળતા છે.
આથી શાળા કે કૉલેજનો ઘાટ નાની કે મોટી ફેક્ટરી જેવો બની ગયો છે. ડિગ્રી લઈ લેવી એ જ ધૂન હવે સવાર થવા માંડી છે. શાળા અને કોલેજમાં બાંધી મુદતનો અભ્યાસક્રમ ઓળંગીને પરીક્ષાનો કોઠો પાર કરીને ડિગ્રી સાથે બહાર નીકળીશું એટલે જગત જિતાઈ જશે તેવું માનવાની જરૂર નથી. બધું ભાથું અહીંથી ભરીને તમે બહાર નીકળશો પછી ક્યાંય બળતણ લેવું નહીં પડે તેવું માનશો નહીં. અહીં કોઈકે તમારા મોંમાં બે-ચાર કોળિયા મૂક્યા છે તેથી તમારું પેટ નહીં ભરાય. તમારે હવે જાતે ખાણું મેળવવાનું છે. શાળા-કૉલેજના ભણતરની આ મર્યાદા સમજીશું તો તે હતાશા નહીં આપે.

You might also like