JNUમાં વિદ્યાર્થીઓનો હંગામોઃ વીસીની પત્નીને બંધક બનાવી

(એજન્સી) નવી દિલ્હી: દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની નવી એડમિશન પોલિસીની વિરુદ્ધ સ્ટુડન્ટસ યુનિયનના અનશન સાતમા દિવસે પણ જારી રહ્યું હતું. જેએનયુમાં સોમવારે સાંજે વિદ્યાર્થીઓનાં એક ટોળાંએ વાઇસ ચાન્સેલર જગદીશકુમારના આવાસને ઘેરાવ કર્યો હતો. જગદીશકુમારે એવો આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓએ મારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને મારી પત્નીને બંધક બનાવી હતી.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે જેએનયુના વીસીના આવાસ સુધી માર્ચ યોજવાનું એલાન વિદ્યાર્થી સંઘ દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તેમના આવાસ પર પહોંચીને અંદર પ્રવેશવાની કોશિશ કરી હતી, પરંતુ સુરક્ષા કર્મીઓએ તેમને અટકાવી દીધા હતા અને મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની હોસ્ટેલમાં પરત ચાલ્યા ગયા હતા. હાલ સ્થિતિ કાબૂમાં છે.

જ્યારે જેએનયુના વાઇસ ચાન્સેલરે ટ્વિટ કરીને એવી જાણકારી આપી છે કે વિદ્યાર્થીઓએ બળજબરીપૂર્વક મારા જેએનયુ આવાસમાં તોડફોડ કરી હતી અને મારી પત્નીને કેટલાય કલાકો સુધી અંદર કેદ રાખી હતી. એ વખતે હું એક બેઠકમાં ભાગ લઇ રહ્યો હતો. શું વિરોધ કરવાની આ રીત કહેવાય? ઘરમાં એકલી મહિલાને ડરાવવી કેટલા અંશે યોગ્ય?

જેએનયુમાં સોમવારે સાંજે ડાબેરી પાંખના વિદ્યાર્થીઓના કહેવાતા હંગામા બાદ જેએનયુ સ્ટુડન્ટસ યુનિયને સ્પષ્ટતા કરી છે કે જેએનયુ પ્રશાસનનો વ્યવહાર દુર્ભાગ્યપૂર્ણ છે. યુનિયને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની માર્ચને હિંસક ગણાવીને ‌વિદ્યાર્થીઓને બદનામ કરવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓ માત્ર વીસીને મળીને કેટલાક પ્રશ્નો પૂછવા માગતા હતા, પરંતુ તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ છેલ્લા સાત દિવસથી ભૂખ હડતાળ પર છે. જ્યારે ‌વિદ્યાર્થીઓ તેમને મળવા ગયા તો તેઓ ત્યાં ઉપલબ્ધ નહોતા. વિદ્યાર્થીઓએ વીસીના બંગલામાં તોડફોડ કરીને પથ્થરમારો કર્યો હતો.

You might also like