વિદ્યાર્થીઓ પાસ, પરંતુ આપણા દેશની શિક્ષણ નીતિ નાપાસ

કેન્દ્રના માનવ સંસાધન વિભાગે શિક્ષણના અધિકાર અંગેના અધિનિયમમાં મહત્વનો સુધારો કર્યો છે.જે મુજબ હવે ધો-પ અને ૮માં નાપાસ વિદ્યાર્થીઓને હવે ઉપરના વર્ગમાં બઢતી અપાશે નહીં. લોકસભાએ નવા અધિનિયમમાં સંશોધન કરી દીધું છે.

માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની નીતિથી શિક્ષણના સ્તર પર નકારાત્મક અસર પડી રહી હતી. અનેક રાજયોએ પણ આ નીતિ બદલવાની માગણી કરી હતી. સરકાર માને છે કે નવી નીતિથી શિક્ષણ વ્યવસ્થા મજબૂત બની શકશે.

નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના વર્ગમાં જતા રોકવાએ આમ તો આપણી શિક્ષણ વ્યવસ્થાની ખામીનું જ પ્રતીક છે. શિક્ષણનો અધિકાર કાયદો બનાવવા પાછળ સારો આશય હતો કે આપણે ૬થી ૧૪ વર્ષનાં તમામ બાળકોને શિક્ષણ લેવાનો અધિકાર આપીએ છીએ.

તો પછી ખરાબ પરિણામ માટે નાપાસ ન કરીને બાળકોના શિક્ષણના સ્તરને સતત સુધારવાનો પ્રયાસ કરવો જોઇએ. બંધારણમાં આ જવાબદારી કેન્દ્ર અને રાજય સરકારોને આપવામાં આવી છે. શિક્ષણના અધિકારના કાયદા પાછળ એવી ભાવના હતી કે બાળકોને નાપાસ કરવાને બદલે શાળાની શિક્ષણ વ્યવસ્થાને જવાબદાર બનાવવામાં આવે. નવો કાયદો બન્યો તેના અક-બે વર્ષમાં જ બાળકોને નાપાસ નહીં કરવાની નીતિનો વિરોધ શરૂ થઇ ગયો હતો.

ર૦૧રમાં યુપીએ-રની સરકાર હતી ત્યારે મળેલી સીએબીઇની બેઠકમાં રાજય સરકારોના પ્રતિનિધિઓએ બાળકોને નાપાસ ન કરવાની નીતિનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમની મુખ્ય દલીલ એ હતી કે ધો-૧૦ અને ૧રના ખરાબ પરિણામો માટે ધો.૮ સુધી નાપાસ નહીં કરવાની નીતિ જવાબદાર છે.

આ નીતિ શિક્ષણ માટે અભિશાપ સમાન બની ગઇ છે. આ બેઠકમા હરિયાણાના તત્કાલિન શિક્ષણ મંત્રી ગીતા ભુક્કલની અધ્યક્ષતામાં આ નીતિ પર વિચારણા કરવા એક સિમિતિ બનાવાઇ હતી.આ સમિતિએ ર૦૧૪માં આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે બાળકોને નાપાસ નહીં કરવાની જોગવાઇને તબકકાવાર પાછી ખેંચવી જોઇએ. નાપાસ નહીં કરવાની નીતિના કારણે બાળકો અને શિક્ષકો શિક્ષણને ગંભીરતાથી લેતા નથી અને મહેનત કરવાથી ભાગી રહ્યાં છે.

સમિતિએ એમ પણ જણાવ્યું કે શાળાઓમાં આદર્શ સ્થિતિમાં જ નાપાસ નહીં કરવાની નીતિ સફળ થઇ શકે.માનવ સંશાધન વિભાગે જોકે સમિતિની ભલામણને લાગુ કરતા પહેલા ફરીથી રાજય સરકારો પાસે તેમનો અભિપ્રાય માગ્યો હતો. રર રાજયોએ અભિપ્રાય આપ્યો તે પૈકીના ૧૮ રાજ્ય તો આ નીતિ બદલવાના પક્ષમાં હતાં.

ર૦૧૦માં નાપાસ નહીં કરવાની નીતિ લાગુ કર્યા બાદ પાંચ વર્ષ પછી એટલે કે ર૦૧પમાં સમીક્ષા કરવામાં આવી ત્યારે ચોંકાવનારાં તારણો સામે આવ્યા કે ધો.૯ અને ૧૦માં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઇ હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે વિદ્યાર્થીઓમાંથી નાપાસ થવાનો ડર જતો રહ્યો હતો.

શિક્ષકોમાં પણ વિદ્યાર્થીઓ પ્રત્યે જવાબદારીની ભાવના ઓછી થઇ ગઇ હતી. કેટલાંક બાળકો તો તેના કારણે શાળામાં પણ નિયમિત રીતે આવતા ન હતા. કેમકે કોઇ પણ મહેનત વગર તેઓ આગળના વર્ગમાં પહોંચી જતા હતા. આવાં બાળકોના માતા-પિતા પણ સમજતાં હતાં કે તેના બાળકો સારી રીતે ભણે છે પણ જયારે ધો.૯માં નાપાસ થાય ત્યારે તેમને આંચકો લાગ્યો હતો.

ખરેખર તો ધો.૮માં નાપાસ કરવાની નીતિ પ્રગતિશીલ કલ્પના જેવી હતી. જેમાં એવું માનવામાં આવતું હતું કે કોઇ પણ બાળક કયારેય નાપાસ નથી થતું. પરંતુ શાળાકીય શિક્ષણમાં સુધારા આવી ધારણાઓના આધારે થઇ શકતી નથી. આવી નીતિ બનાવ્યા પછી કેન્દ્ર અને રાજય સરકારે શિક્ષણમાં આમુલ પરિવર્તન લાવવા શું કર્યું?

સમગ્ર શિક્ષણ નીતિ માટે બનાવેલી કસ્તુરીરંગન કમિટીનો રિપોર્ટ જુલાઇ ર૦૧૮માં રજૂ કરવાનો હતો પરંતુ હાલ તે મોકૂફ રખાયું છે. ઓકટોબર-ર૦૧પમાં બનાવાયેલી સુબ્રમણ્યમ સમિતિએ ધો.૮ સુધી નાપાસ ન કરવાની નીતિ અંગે દેશના શિક્ષણવિદો સાથે વાત કરી પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

આ સમિતિએ એવી ભલામણ કરી હતી કે નાપાસ ન કરવાની નીતિ ફકત ધો.પ સુધી જ ચાલુ રાખવી જોઇએ. સમિતિએ કહ્યું કે ૧૧ વર્ષ સુધીના બાળકોને પાસ-નાપાસના ટેન્શનથી દૂર રાખવા જોઇએ. ધો.૬થી નાપાસ બાળકોને ઉપરના વર્ગમાં બઢતી ના આપવી જોઇએ.

હવે દેશમાં એ બાબત પર ચર્ચા હોવી જોઇએ કે ૬થી ૧૪ વર્ષના બાળકોને ખરેખર આપણે શિક્ષણનો અધિકાર આપી શક્યા છીએ ખરા? શા માટે ત્રણ કરોડ બાળકો હજુ શિક્ષણથી વંચિત છે? લાખો સરકારી અને ખાનગી શાળાઓમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ બધી બાબતોનો કયારેય વિચાર થશે ખરો?

You might also like