ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફિલ્મીઢબે અપહરણ કરીને લઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બુકાનીધારી અપહરણકર્તાઓના ચુંગલમાંથી વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને ચાલુ કારમાંથી બહાર ઝંપલાવ્યું હતું. જેમાં તેનો આબાદ બચાવ થયો છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની તેના ઘરે ગઇ હતી અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વેજલપુર પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

જુહાપુરમાં રહેતી એક ૧૬ વર્ષિય સગીરા ૧૧મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેના ઘરની થોડેક દૂર આવેલા ટ્યૂશન ક્લાસિસમાં સાંજે ટ્યૂશન માટે જાય છે. હાલ પરીક્ષા નજીક હોવાથી તે ટ્યૂશન ક્લાસિસમાં ઓવરટાઇમ અભ્યાસ કરે છે. ગઇ કાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સગીરા ટ્યૂશન ક્લાસિસથી તેના ઘરે ચાલતી ચાલતી આવતી હતી તે સમયે એક સિલ્વર કલરની ઇકો કાર તેની પાસે આવી હતી. જે ફિલ્મમાં વાનમાં આવેલા શખ્સો લોકોનું અપહરણ કરે તેવી જ રીતે ઇકો કારમાં આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ સગીરાનું જાહેર રોડ પરથી અપહરણ કરી લીધુ હતું. અપહરણ કર્યા બાદ કાર પુરઝડપે જતી રહી હતી.

થોડેક દૂર જઇને કાર ધીમી પડી ત્યારે સગીરાએ અપહરણકર્તાઓના ચુંગલમાંથી છુટવા માટે બહાદુરીથી કારનો દરવાજો ખોલી દીધો હતો અને ઝંપલાવ્યું હતું. સગીરા રોડ પર પટકાઇ હતી જ્યારે અપહરણકર્તા કાર લઇને નાસી ગયા હતા. જમીન પર પટકાતાં સગીરા ઇજાગ્રસ્ત થઇ હતી.

જોકે તે સીધી તેના ઘરે પહોચી હતી. સગીરાની હાલત જોઇને તેનાં માતા પિતા ગભરાઇ ગયાં હતાં અને તેની સાથે શી ઘટના બની છે તે અંગે પૂછયું હતું. સગીરાએ તેની સાથે થયેલી તમામ હકીકત માતા પિતાને કહી હતી અને ત્યાંજ ઢળી પડી હતી. અપહરણકર્તના ચુંગલમાંથી છૂટવા માટે સગીરાએ છલાંગ લગાવતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે વી.એસ.હોસ્પિટલમાં લઇ ગયા હતા.

અપહરણની જાણ પોલીસને થતાં તે તાત્કાલીક વી.એસ. હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટનાને પગલે તપાસનો દોર શરૂ કર્યો હતો. સગીરાએ પોલીસને આપેલા નિવેદન પ્રમાણે અપહરણકર્તાઓ ૪૦ થી ૫૦ વર્ષની ઉમરના હતા અને તેમને મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. અપહરણ બાદ સગીરાને કારમાં માર મારવામાં આવ્યો હતો જ્યારે કેટલાક લોકો ફોન પર વાતો કરતા હતા.

સગીરાએ આપેલા ચોંકાવનારા નિવેદન બાદ વેજલપુર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સગીરાનું અપહરણ કયાં કારણોસર કરવામાં આવ્યું હતું તે મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે ત્યારે ધટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યાં છે.

પોલીસને શંકા છે કે સગીરાનું અપહરણ અંગત અદાવતને પાર પાડવા માટે કરવામાં આવ્યું છે કારણ કે સગીરના પિતા મધ્યમવર્ગીય છે અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સગીરાનું અપહરણ રૂપિયા માટે નહીં પરંતુ કોઇ અન્ય કારણોસર કરવામાં આવ્યું છે.

You might also like