સરકારી શાળાના વિદ્યાર્થીઓની હવે દર મહિને પરીક્ષા લેવાશે

અમદાવાદ: રાજ્યભરમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે હવે સરકાર શિક્ષકોની પરીક્ષા લેવાની સાથે-સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા દર મહિને લેશે. હવેથી તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માત્ર છ માસિક કે વાર્ષિક જ નહીં, પરંતુ માસિક પરીક્ષા આપશે.

ખાનગી શાળાઓની તુલનાએ સરકારી શાળાનાં બાળકોના શિક્ષણનું સ્તર નીચું જતું હોઇ ભવિષ્યમાં ધો.૧૦ અને ૧રની પરીક્ષામાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ બાળકો પૂરતું પર્ફોર્મન્સ બતાવી શકતાં નથી, જેના કારણે હવે દર મહિનાના અંતે જે તે અભ્યાસ કર્યો હશે તેની ટેસ્ટ લેવાશે.

સરકારી શાળાઓમાં દર વર્ષે યોજાતા ગુણોત્સવ અને પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓનાં પરિણામ નબળાં આવી રહ્યાં છે, તેનું યોગ્ય મોનિટરીંગ થતું નહીં હોવાનું બહાર આવ્યું હતું.

વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવાશે તેમાં તેમને તે માસ દરમ્યાન ભણેલા અભ્યાસક્રમમાંથી જ પ્રશ્નો પુછાશે. વિદ્યાર્થીઓના આ ટેસ્ટની સાથે શિક્ષકોને પણ ખબર પડશે કે વિદ્યાર્થીઓને કેટલું યાદ રહ્યું છે. શનિવારે હવે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં નહીં આવે, તેની જગ્યાઅે સ્પોર્ટ્સ કલ્ચર અને સોશિયલ એક્ટિવિટી કરવાની રહેશે.

બાળકોએ શું ઇતર પ્રવૃત્તિઓ શનિવારે કરવાની છે તેની એક રૂપરેખા તૈયાર થઇ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે કઇ કઇ પ્રવૃત્તિઓ કરાવવાની છે તેનું લિસ્ટ બનાવીને તમામ શાળાઓને મોકલી અપાશે, જેનો શિક્ષકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

You might also like