‘સ્માર્ટ વિલેજ’ બનાવવા જીટીયુની 32 કોલેજના વિદ્યાર્થીઓ ગામડાં ખૂંદશે

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી ગ્રામ વિકાસના ઉમદા હેતુથી ચલાવવામાં આવી રહેલી વિશ્વકર્મા યોજનાના છઠ્ઠા તબક્કામાં ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગની ૩૨ કોલેજોના વિદ્યાર્થીને સ્માર્ટ વિલેજનું સપનું સાકાર કરવા ૧૩૬ ગામની મદદે મોકલવામાં આવશે.

આ વખતે ગ્રામ વિકાસ કચેરી અને ગ્રામ પંચાયત તેમજ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ સાથે સંકલન સાધીને ૧૩૬ ગામડાંઓમાં સાંસદ આદર્શ ગ્રામ યોજના અને સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવશે.

આ કાર્યમાં જોડાનારી કોલેજોમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, અમરેલી, રાજકોટ, મોરબી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ, ગોધરા, આણંદ, સુરત, બારડોલી અને વડોદરાની કોલેજનો પણ સમાવેશ થાય છે. પ્રારંભિક તબક્કામાં સ્માર્ટ વિલેજ બનાવવા માટે ટેકનો ઇકોનોમિક સર્વે કરવામાં આવશે.

તે કાર્યમાં સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થી જોડાશે. તેઓને નોડલ ઓફિસર અને સરકારી અધિકારીઓ માર્ગદર્શન આપશે, જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડો. નવીન શેઠે આ યોજનાના ઉદ્દેશ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે શહેરની સાથોસાથ તેની આસપાસના ગ્રામ વિસ્તારોનો પણ સંતુલિત વિકાસ થાય તો ગ્રામવાસીનું શહેરમાં સ્થળાંતરનું પ્રમાણ ઘટી શકે.

તે હેતુથી યોજના શરૂ કરવામાં આવશે તેમજ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) તરફથી ટૂંક સમયમાં લાવવામાં આવનારી નવી નીતિ અંતર્ગત ડિગ્રી કોલેજના વિદ્યાર્થી માટે ૧૦૦ કલાક અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થી માટે ૭૫ કલાકનું સમાજસેવા કાર્ય ફરજિયાત બનાવવામાં આવશે. આ યોજનામાં ઉત્તમ કામગીરી બજાવનારા વિદ્યાર્થી અને નોડલ અધિકારીઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.

You might also like