ધો.1ના વિદ્યાર્થીએ ખેતરમાંથી ટામેટા તોડ્યા તો આચાર્યે માર્યો લાકડીથી ઢોર માર

છોટાઉદેપુરની આશ્રમ શાળામાં ધોરણ 1ના વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના બની છે. વિદ્યાર્થી દ્વારા ખેતરમાં ટામેટા તોડવામાં આવ્યા હતા, તેથી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મામલે આચાર્ય અને ખાતરના માલિક સામે ફરિયાદ કરવામાં આવી છે.

છોટાઉદેપુર તાલુકાના પીપલેજ ગામે જાગનાથ દાદા આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતા ધોરણ 1ના વિદ્યાર્થી વિજય રાઠવાને ખેતરમાંથી ટામેટા તોડવા માટે આકરી સજા મળી હતી. ખેતરના માલિક અને આચાર્ય દ્વારા બાળકને લાકડી વડે ઢોર માર મારતાં તેને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

આ બનાવ બાબતે વિજયનાં પિતાએ ખેતર માલિક અને આચાર્ય સામે છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, ગત 30મી ડિસેમ્બરે બનેલ આ ઘટનામાં બાળક વિજય રિશેષ દરમ્યાન બાજુના ખેતરમાં ટામેટા તોડવા જતો રહ્યો હતો.

જે ખેતરના માલિક વરસન રાઠવાથી સહન ના થયું અને વિજયને લાકડી વડે મારવા લાગ્યો અને આચાર્યને ફરિયાદ કરી તો આચાર્ય જગદીશ વાળંદે પણ વિજયને લાકડી વડે માર્યો હતો.

જો કે આ માર બાદ શાળામાં જ વિજયને તાવ આવતા તેને વાલીને સોંપી સ્કૂલે જવાબદારીમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કર્યો. જો કે વિજયે ઘરે જઈને વાલીને સમગ્ર હકીકત બતાવી તો વાલીએ તુરંત જ વિજયને દવાખાને લઇ જઈ સારવાર કરાવી જયાં ગંભીર રીતે ઘાયલ વિજયને સારવાર અપાઈ રહી છે.

બનાવ બાબતે પોલીસે દસ દિવસ બાદ ફરિયાદ નોંધી છે તો બીજી તરફ આચાર્ય ખેતરમાં ટામેટા તોડવાના બનાવની તારીખનો હવાલો આપી પોતાના ઉપર લાગેલા આરોપોને નકારી રહ્યો છે.

You might also like