વિદ્યાર્થિનીઓ સામે અશ્લીલ ચેનચાળા કરતા બે કિશોરને વાલીઅોઅે ફટકાર્યો

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ એક સ્કૂલની વિદ્યાર્થિનીઓને બીભસ્ત હરકતો કરીને હેરાન પરેશાન કરતા રોડ રોમિયો વિરુદ્ધમાં રામોલ પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી સ્કૂલેથી છૂટીને ઘરે આવતી વિદ્યાર્થિનીઓને જાહેર રોડ પર બે કિશોર અશ્લીલ ચેનચાળા કરતા હતા. ગઇ કાલે વિદ્યાર્થિનીઓના વાલીઓએ તેમને પકડીને ફટકાર્યા હતા.

વસ્ત્રાલ કેનાલ રોડ પર આવેલી ભાવના સ્કૂલમાં અભ્યાસ કરતી ત્રણ ચાર વિદ્યાર્થિનીઓ સાથે જાહેર રોડ પર અશ્લીલ હરકતો કરતા બે કિશોરનો ભાંડો ફુટી ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવના સ્કૂલના છૂટવાના સમયે ઘરે જતી વિદ્યાર્થિનીનો છેલ્લા દસેક દિવસથી બે કિશોર પીછો કરી રહ્યા હતા.

વિદ્યાર્થિનીઓ ચાલતી ચાલતી ઘરે જાય ત્યાં સુધી કિશોર તેમની બાઇક લઇને પીછો કરતા હતા અને બીભસ્ત શબ્દો તેમજ અશ્લીલ ચેનચાળા કરતા હતા. બે દિવસ પહેલાં કિશોરોની હરકતોથી કંટાળીને તમામ વિદ્યાર્થિનીએ તેમનાં માતા પિતાને કહી દીધુ હતું. વસ્ત્રાલ હરિદર્શન સોસાયટીમાં રહેતા વિદ્યાર્થિનીઓના વાલી ભેગા થયા હતા અને કિશોરોને રંગે હાથ પકડી પાડવાનો પ્લાન બનાવ્યો હતો.

ગઇ કાલે વિદ્યાર્થિનીઓ સ્કૂલથી છૂટે તે પહેલાં વાલીઓ સ્કૂલ પર પહોંચી ગયા હતા અને બે કિશોરની વોચમાં હતા. સ્કૂલ છૂટી ત્યાં સુધીમાં બંને કિશોર સ્કૂલ પર આવી ગયા હતા અને વિદ્યાર્થિનીઓને પીછો કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાનમાં વાલીઓએ તેમને રંગે હાથ પકડીને જાહેરમાં ફટકારવાનું શરૂ કર્યુ હતું અને પોલીસને બોલાવી હતી. પોલીસ પહોંચે તે દરમિયાન બે કિશોર પૈકી એક કિશોર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતો. રામોલ પોલીસે બે કિશોર વિરુદ્ધમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like