વિદ્યાર્થિનીને ખોળામાં બેસાડીને અડપલાં કરનાર લંપટ શિક્ષકની ધરપકડ

અમદાવાદ: શિક્ષણજગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાંદખેડામાં રહેતા અને ટ્યૂશન ક્લાસીસ ચલાવતા આધેડ શિક્ષકે વિદ્યાર્થિનીને ખોળામાં બેસાડીને શારીરિક અડપલાં કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ચાંદખેડા પોલીસે લંપટ શિક્ષકની મોડી રાતે ધરપકડ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદખેડામાં આવેલ રત્નરાજ હોમમાં 52 વર્ષીય જયેશ મોહનલાલ રાઠોડ તેમનાં પત્ની અને બે બાળકો સાથે રહે છે. થોડાક સમય પહેલાં જયેશ રાઠોડના મોટા દીકરાનાં લગ્ન થયાં છે. જયેશ રાઠોડ રત્નરાજ હોમમાં એક હોસ્ટેલ ચલાવે છે, જેમાં ટીનેજર બાળકોને જમવા સાથે રહેવાનું તથા ભણાવવાની કામગીરી કરે છે

ચાંદખેડામાં રહેતી અને ધોરણ-૪માં ભણતી વિદ્યાર્થિની દરરોજ ટ્યૂશન માટે જયેશ રાઠોડના ઘરે આવે છે. પાંચમી તારીખના રોજ વિદ્યાર્થિની જયેશ રાઠોડના ઘરે સમયસર ભણવા માટે આવી હતી તે સમયે લંપટ જયેશની વિદ્યાર્થિની પર નિયત ખરાબ થતાં તેને બોલાવી હતી અને ખોળામાં બેસાડીને તેની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યાં હતાં. ગઇ કાલે ટ્યૂશન જવા માટે વિદ્યાર્થિનીએ તેની માતાને ના પાડી દીધી હતી અને રડવાનું શરૂ કરી દીધું હતું.

જયેશે કરેલી તમામ હરકતો વિદ્યાર્થિનીએ માતાને કહી દીધી હતી. ઘટનાની જાણ થતાં માતા ઉશ્કેરાઇ હતી અને તાત્કા‌િલક જયેશના ઘરે જઇને કકળાટ શરૂ કરી દીધો હતો. વિદ્યાર્થિની સાથે થયેલા શારીરિક અડપલાંની જાણ ચાંદખેડા પોલીસને થતાં તેઓ પણ જયેશના ઘરે પહોંચી ગઇ હતી અને જયેશની અટકાયત કરી લીધી હતી.

માતાની ફરિયાદના આધારે જયેશ વિરુદ્ધમાં પોક્સો એક્ટ હેઠળ શારીરિક અડપલાંની ફરિયાદ ચાંદખેડા પોલીસને નોંધી છે. આ મુદ્દે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ હાર્દિક ચાવડાએ જણાવ્યું છે કે મોડી રાતે જયેશની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ દરમ્યાન વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાની કબૂલાત કરી છે.

You might also like