વિદ્યાર્થીઓની આત્મહત્યાની દુર્ઘટના નિવારવા વીડિયો કોન્ફરન્સ

અમદાવાદ: હસતું, રમતું બાળક, થનગનાટ અનુભવતો તરુણ કે ઉત્સાહના ઘોડાપોરમાં ઘસમસતો તરવરાટ અનુભવતો યુવાન અચાનક હતાશામાં સપડાય, તરૃણ, યુવાન કે વિદ્યાર્થી હતાશાથી માનસિક રીતે પીડાઈને કોઈ ક્ષણિક આવેશમાં આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરે તે ઘટના સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે અને આ સમસ્યાનો ઉકેલ શિક્ષણ સાથે સંકળાયેલા સૌએ, મનોચિકિત્સકો અને સમાજસેવી સંસ્થા કે આગેવાનોએ લાવવો જ રહ્યો, તે ચિંતન સાથે આજે ‘બાયસેગ’ દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મનોચિકિત્સકોએ સેટેલાઈટના માધ્યમથી રાજ્યની ૧૦,૦૦૦થી વધુ શાળાઓમાં ઉપસ્થિત શિક્ષકો સાથે આ સમસ્યાના ઉકેલનું માર્ગદર્શન આપતો સંવાદ કર્યો હતો.

વીડિયો-સેટેલાઈટના માધ્યમથી શિક્ષકો સાથે આ સમસ્યાના ઉકેલનું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપતો સંવાદ કર્યો હતો. વીડિયો-સેટેલાઈટના માધ્યમથી શિક્ષકો સાથે થયેલા સંવાદમાં એવો પણ સૂર વ્યક્ત થયો હતો કે બાળક, વિદ્યાર્થીનું માનસિક સ્વાસ્થ્ય જળવાય, બાળક સારી રીતે પોતાની ક્ષમતા-રુચિ અનુસાર અભ્યાસ કરી શકે તથા તેને હૂંફ, સપોર્ટ તથા સલામતીની લાગણી મળી રહે તે શિક્ષકો અને માતા-પિતાની જવાબદારી છે જો એ જવાબદારી બજાવાય તો વિદ્યાર્થીઓની આત્મહત્યાની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.

ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો અંગે ઊંડી ચિંતા અને સંવેદના વ્યક્ત કરી આ સમસ્યાના ઉકેલ માટે શિક્ષકો, વાલીઓને આહવાન કર્યું હતું.

You might also like