યુનિવર્સિટીની પરીક્ષા ન આપી શકતાં વિધાર્થિનીનો આપઘાત

અમદાવાદ: સુરતમાં લો ફેકલ્ટીની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઈન્ટરનલ પરીક્ષામાં ફેલ થઇ હોવાથી તેમજ એસાઈન્મેન્ટ સમયસર જમા ન કરાવી શકવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા નહીં આપી શકે તેવી જાણ થતાં તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. ઉમરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના વેસુ સુમન સેલ પાણીની ટાંકી પાસે વેસુ ગામ ખાતે રહેતી ઊર્વી જગદીશભાઈ પરાત (ઉ.વ.૧૭) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં બી.કોમ. એલએલબી ઇન્ટિગ્રેટેડ કોર્સમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. ઇન્ટરનલ પરીક્ષામાં ઊર્વી નાપાસ થઈ હતી. તેમજ તેણે એસાઈન્મેન્ટ જમા કરાવ્યું ન હતું.

જેથી યુનિવર્સિટીએ ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ થયા હોય અને એસાઈન્મેન્ટ જમા ન કરાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓના નામ સાથેની યાદી જાહેર કરી હતી. આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પરીક્ષામાંથી બાકાત રાખ્યા હતા. જેમાં ઊર્વીનું પણ નામ હતું. યુનિવર્સિટીએ ડિટેઇન કરી હોવાની જાણ થતાં ઊર્વી શનિવારે યુનિવર્સિટીમાં ગઈ હતી અને રજૂઆતો કરી હતી.

પરંતુ તેની રજૂઆતને ધ્યાનમાં ન લેવાતાં આખરે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. દરમ્યાનમાં રવિવારે બપોરે તેણે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન તેના પિતાએ દરવાજો ખોલી જોતાં તે પંખે લટકેલી હાલતમાં મળી આવી હતી. તેઓ તેને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં ઉમરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી. ઉમરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like