વિદ્યાર્થીઓની સ્કોલરશિપ હવે સીધી બેન્ક ખાતામાં જમા થશે

અમદાવાદ: અમદાવાદ શહેર-જિલ્લાની તમામ ગ્રાન્ટેડ શાળાઓ કેશલેસ અને પેપરલેસ બને તે માટેના પ્રયત્નો શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયા છે. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ હવે ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં જમા થઇ જશે. અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં થતી તમામ વહીવટી અને એકેડે‌િમક કાર્યવાહી ઓનલાઇન થાય અને તમામ નાણાકીય વ્યવહાર કેશલેસ થાય તે માટે શાળાઓને સોફટવરની મદદ અપાશે.

વિદ્યાર્થીઓએ ઇ-પોર્ટલ શિષ્યવૃત્તિ માટેનું ફોર્મ ભરવાનું રહેશે, જેને ટીચર દ્વારા ભરવામાં મદદ કરાશે. ત્યારબાદ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. ચેક દ્વારા અપાતી શિષ્યવૃત્તિ હવે ફરજિયાતપણે વિદ્યાર્થીઓના બેન્ક ખાતા ખોલાવાયા બાદ તેમાં સીધી જમા જશે.

પ્રાયોગિક ધોરણે શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં સોફટવેરનો ઉપયોગ કરીને વહીવટી એકેડે‌િમક અને નાણાકીય વ્યવહાર શરૂ કરવામાં આવી રહ્યા છે. તેના અનુભવના આધારે શહેર અને જિલ્લાની ૬૦૦ શાળાઓમાં સોફટવેરનો ઉપયોગ કરીને તમામ વ્યવહાર કેશલેસ-પેપરલેસ કરવામાં આવશે.

ગ્રાન્ટેડ શાળાઓ સરકારની ગ્રાન્ટ અને શાળા સંચાલકોના મેનેજમેન્ટ અંતર્ગત ચાલતી હોય છે. શહેર અને જિલ્લામાં આવી કુલ ૬૦૦ શાળાઓ છે જેમાં શિક્ષકો તેમના પગાર, જરૂરી વહીવટીખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ વગેરે સરકાર આપે છે. કેશલેસ વહીવટ અંતર્ગત તમામ શાળાઓના તમામ વહીવટી કાર્યો અને નાણાકીય વ્યવહાર ઓનલાઇન થશે. વિદ્યાર્થીઓની ફી, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિતના વ્યવહારો ઓનલાઇન કરાશે.

એક વર્ષ સુધી સોફટવેર ખાનગી કંપની નિઃશુલ્ક આપશે. ત્યારબાદ એક વર્ષ પછી સોફટવેરની કિંમતની ચુકવણી કરવી પડશે. તે કેવી રીતે કરવી તે હજુ નિશ્ચિત કરાયું નથી. ખાનગી કંપનીઓ દ્વારા આ પ્રકારનું સોફટવેર તૈયાર કરાયું છે.
http://sambhaavnews.com/

You might also like