પ્રજાસત્તાકનાં પર્વે અમદાવાદથી પેશાવર પહોંચ્યો શાંતિનો સંદેશ

અમદાવાદ : આજે સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીની ઉજવણી ધામધુમથી થઇ રહી છે. ત્યારે અમદાવાદ સ્થિત વિચરતા સમુદાય સમર્થન મંચે પાકિસ્તાનના બાળકો સાથે સ્કાઇપથી વાતચીત કરીને અનોખી રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. સ્કાઇપ થકી યોજાયેલા બંન્ને દેશના બાળકોએ એકબીજા દેશની સંસ્કૃતિ, તહેવાર અને ખાનપાન સહિત અમન-શાંતિની વાતો કરી હતી.

26મી જાન્યુઆરીના પ્રજાસત્તક દિવસની ઉજવણી સમગ્ર દેશ અને જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં દેશપ્રેમથી થઇ છે. ત્યારે અમદાવાદ સ્થિત વિચરતા સમુદાય સમર્થન મંચે પ્રજાસત્તક દિવસની ઉજવણી અનોખી રીતે કરીને પાકિસ્તાન અને ભારતના બાળકોને સ્કાઇપની મદદથી એક મંચ ઉપર લાવ્યા હતા. આજે સવારે પાકિસ્તાનના પેશાવર સ્થિત બચ્ચાખામ મોડલ સ્કુલના બાળકો અને વિચરતા સમુદાય સમર્થન મંચના આશરે 50 બાળકોએ એકબીજા દેશ, સંસ્કૃતિ, તહેવાર અંગે પ્રશ્નો પુછીને માહિતી મેળવી હતી.

આજે બે દેશના બાળકોએ સ્કાઇપ ટેકનોલોજીની મદદથી યોજાયેલા સંવાદ થકી એક બીજા દેશમાં અમન-શાંતિ સ્થપાય તેવી દુઆ કરવામાં આવી હતી. અને બંન્ને દેશના બાળકોએ એક બીજાના દેશના રાષ્ટ્રીય ગાનને પણ અદબથી સાંભળી માન આપવામાં આવ્યું હતુ. પાકિસ્તાનના પેશાવર સ્થિત બચ્ચાખાન મોડલ સ્કુલના બાળકોએ પણ અમદાવાદના વિચરતા સમુદાય સમર્થન મંચના બાળકોને ભારત અંગે અતરંગ પ્રશ્નો પુછ્યા હતા, જેના અમદાવાદના બાળકોએ રસપુર્વક જવાબો આપ્યા હતા.

આમ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે વિચરતા સમુદાય સમર્થન મંચે ભારત-પાકિસ્તાનને બાળકો થકી નજીક લાવી શાંતિ-અમન સ્થાપવાના વિશિષ્ટ પ્રયાસ કર્યો છે, જે સરાહનીય છે.

You might also like