વિદ્યાર્થિનીના ઘરની બહાર વિદ્યાર્થી લવ લેટરનું ‘બોક્સ’ મૂકી ગયો!

અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં સગીર વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થિનીને પ્રેમિકાને પ્રપોઝ કરવાનો અનોખો કિસ્સો બહાર આવ્યો છે. સાબરમતીમાં રહેતી અને સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીને તેની જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીએ તેના ઘરની બહાર લવ લેટરનું બોક્સ મૂકી પ્રપોઝ કર્યું હતું, જોકે આ લવ લેટરમાં તે વિદ્યાર્થિનીના ભાઇને જાનથી મારા નાખવાની ધમકી હોઇ આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરમતી વિસ્તારમાં ૧૫ વર્ષીય એક સગીરા તેની માતા અને ભાઇ સાથે રહે છે. સગીરા નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરે છે. તેની જ સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી તેને પ્રેમ કરતો હતો. બંને સ્કૂલમાં અગાઉ વાતચીત કરતા હતા. બે દિવસ અગાઉ તે વિદ્યાર્થી એક બોક્સ લઇને તેના ઘરે પહોંચી ગયો અને ઘરની બહાર મૂકી જતો રહ્યો હતો.

વિદ્યાર્થિનીની માતાએ આ બોક્સ ખોલીને જોતાં તેમાં પેન, કેલેન્ડર અને આઠ કવર મળ્યાં હતાં, જેમાં તેનો લવ લેટર મળ્યો હતો, જેમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને આઇ લવ યુ લખી તેના પ્રેમનો એકરાર કર્યો હતો. આ રીતે વિદ્યાર્થીએ પોતાના પ્રેમનો એકરાર કરતા અગાઉ વિદ્યાર્થિનીના ભાઇએ પ્રેમનો એકરાર કરનાર સાથે બોલાચાલી કરતાં તે વિદ્યાર્થીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે વિદ્યાર્થિનીની માતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિદ્યાર્થીના ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

You might also like