જૂન-ર૦૧૬ના શૈક્ષણિક વર્ષથી ધો.૧થી ૧રના તમામ વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તક

અમદાવાદ: રાજ્યમાં અાગામી જૂન-2016થી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષથી રાજ્ય સરકારની વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજના હેઠળ ધોરણ 1થી 12 સુધીના તમામ વર્ગના વિદ્યાર્થીઅોને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો અાપવાનું અાયોજન કરાયું છે. જેના અંતર્ગત સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઅોના વિદ્યાર્થીઅોને અા લાભ મળી શકશે તેમ પાઠ્યપુસ્તક મંડળના સૂત્રોએ જણાવ્યું છે. જેના કારણે રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના કુલ 74.5 લાખ બાળકોને લાભ મળશે.

જૂન-2016થી શરૂ થનાર શૈક્ષણિક સત્રથી રાજ્ય સરકારની વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજના હેઠળ ધોરણ 1થી 8માં સરકારી શાળાઅોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઅોને તેમજ ઈ.એન.ડી. યોજના હેઠળ ધો. 9થી 12માં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઅોમાં અભ્યાસ કરતાં એસસી, એસટી અને અોબીસીના વિદ્યાર્થીઅોને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુરા પાડવામાં અાવનાર છે.

અા ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઅો, સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઅોમાં અભ્યાસ કરતાં અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઅોને પણ વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં અાવનાર છે.  જેના કારણે જૂન-2016થી શરૂ થતાં નવા શૈક્ષણ‍િક વર્ષમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઅોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઅોએ હવે પુસ્તકો ખરીદવા નહીં પડે તેમ પાઠયપુસ્તક મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.

અા અંગે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના નિયામક એચ. એન. ચાવડાએ જણાવ્યું હતું કે હાલ રાજ્યની પ્રાથમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં એસસી. એસટી અને અોબીસી વર્ગના 65 લાખથી વધુ બાળકોને તેમજ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઅોમાં ધો. 9થી 12માં અભ્યાસ કરતાં 5.5 લાખ એસસી, એસટી અને અોબીસી વર્ગના વિદ્યાર્થીઅો વિનામૂલ્યે પુસ્તકો અપાય છે. જ્યારે સરકારના અા નિર્ણયથી અાગામી શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઅો સામાન્ય અને અનામત વર્ગના કુલ મળીને 67 લાખ જેટલા વિદ્યાર્થીઅોને લાભ મળશે. જયારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના એસસી, એસટી અને અોબીસી વર્ગના 5.5 લાખ વિદ્યાર્થીઅોને લાભ મળે છે. પરંતુ અા નિર્ણયથી અન્ય સામાન્ય વર્ગના નવા 2 લાખ જેટલા વિદ્યાર્થીઅો મળીને કુલ મળીને 7.5 લાખથી વધુ વિદ્યાર્થીઅોને અા લાભ મળશે.

You might also like