શાહીબાગમાં હિટ એન્ડ રનમાં વિદ્યાર્થીનું મોત

અમદાવાદ ઃ શાહીબાગમાં આવેલા મુસાસુહા કબ્રસ્તાન નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં ઘરની સામે શૌચ માટે જતા વિદ્યાર્થીને એક અજાણ્યા એક્ટિવાચાલકે અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું છે. માધવપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શાહીબાગમાં બાવા બારકુલની ચાલી ખાતે અશોકભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.૪૦) તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ઓટોરિક્ષા ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, પુત્રી અને બે પુત્ર છે. તેમનો મોટો પુત્ર મેહુલ નજીકમા આવેલી સ્કૂલમાં ધો. ૧૦માં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે સવારે મેહુલ તેના ઘરની સામે શૌચ માટે જતો હતો, દરમ્યાનમાં નમસ્તે સર્કલ પાસેથી પુરપાટ ઝડપે એક કાળા કલરનો એક્ટિવાચાલક આવ્યો હતો અને રોડ ક્રોસ કરતાં મેહુલને ટક્કર મારી હતી.  ટક્કર મારતાં મેહુલ રોડ પર પટકાયો હતો અને તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો અને ચાલીના લોકો દોડી આવ્યા હતા. તેના પિતા અશોકભાઈને જાણ કરતાં તે પણ દોડી આવ્યા હતા. મેહુલને માથામાં ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

You might also like