વિદ્યાર્થીની ડિગ્રી પર આધાર નંબર અને ફોટો પ્રિન્ટ કરાશે

અમદાવાદ: આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૭-૧૮થી ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનાં ડિગ્રી અને ડિપ્લોમા સર્ટિફિકેટ પર હવે આધાર કાર્ડ નંબર અને વિદ્યાર્થીનો એટેચ્ડ થશે. વિદ્યાર્થીનો આધાર નંબર ડિગ્રીમાં લાગવવાના કારણે બનાવટી કે બોગસ ડિગ્રી મેળવનારા ઉપર અંકુશ આવશે. મોટાભાગે એડમિશન અને નોકરી મેળવતી વખતે વિદ્યાર્થી કે ઉમેદવારે ડિગ્રી-ડિપ્લોમા તથા અન્ય સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનાં રહે છે. અગામી વર્ષથી સર્ટિફિકેટ પર લગાવેલા આધાર અને ફોટોગ્રાફના આધારે ડિગ્રીની તપાસ સરળતાથી થઇ શકે એટલું જ નહીં ડિગ્રી કે ડિપ્લોમા સર્ટિફિકેટ સાચું છે કે ખોટું તેની પણ જાણ થઇ શકશે. યુજીસી દ્વારા આગામી વર્ષથી આ નિયમ ફરજિયાત બનાવતાં રાજ્યની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ લાભ મળશે.

બોગસ ડિગ્રી બનાવનાર અને મેળવનાર માટે જ યુજીસી આ નવો નિયમ ફરજિયાત અમલી બનાવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ જ નથી. આવા વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનો આધાર રજૂ નહીં કરે ત્યાં સુધી તેમનું ડિગ્રી-ડિપ્લોમા સર્ટિફીકેટ પેન્ડિંગ રાખવામાં આવશે. યુજીસી દ્વારા આગામી સમયમાં આધાર લિંકના આધારે વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ, ડિગ્રી કે અન્ય ડોક્યુમેન્ટસ ઓન લાઇન જોઇ શકે કે પ્રિન્ટ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાનું સૂચન પણ તમામ યુનિવર્સિટીને કર્યું છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે યુજીસી દ્વારા લેવાયેલો આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં આવકારદાયક છે. ગુજરાત યુનિવર્સિટીમાં આ નિયમ આગામી શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટીમાં લાગુ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like