વિદ્યાર્થીનું મોત પોલીસની ગાડીથી થયું કે પછી એમ્બ્યુલન્સની ટક્કરથી?

અમદાવાદ: સીટીએમ વિસ્તારમાં બે દિવસ પહેલાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના અકસ્માતમાં થયેલ મોતનો મામલો વધુ ગરમાયો છે. વિદ્યાર્થીનું મોત એમ્બ્યુલન્સની ટક્કરથી નહીં પરંતુ પોલીસની કારથી થઈ હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે ત્યારે વિદ્યાર્થીના પરિવાજનો પણ પોલીસની તપાસ ઉપર સવાલ ઊભા કરતા અકસ્માત એમ્બ્યુલન્સથી નહીં પરંતુ પોલીસની કારથી થયું હોવાનો આરોપ નાખી રહ્યા છે. ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશન આ મુદ્દે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ કરી રહી છે.

સીટીએમ યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતો વિશાલ ગામી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો બે દિવસ પહેલાં વિશાલ ગામી રાતના સમયે સ્કૂલમાંથી ક્લાસ પતાવીને તેના ઘરે જઇ રહ્યો હતો. તે સમયે સીટીએમ ભારવિ ટાવર પાસે બીઆરટીએસ ટ્રાફિક સિગ્નલ પાસે બોલેરો કાર વિશાલને ટક્કર મારી ભાગી ગઇ હતી. વિશાલને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશને હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વિશાલને ટક્કર મારનાર બોલેરો કાર એમ્બ્યુલન્સ હોવાનો ખુલાસો કર્યો છે. વિશાલના પરિવારજનો પણ પોલીસ ઇન્સ્પેક્ટરની તપાસ પર સવાલ ઊભા કરતાં પોલીસ કર્મીઓને છાવરવા માટે અકસ્માત એમ્બ્યુલન્સથી થયાે હોવાની ખોટી થિયરી ઊભી કરી રહ્યા હોવાનો આરોપ મૂકી રહ્યા છે. આ મુદ્દે વિશાલના ભાઇ ચિરાગ ગામીએ જણાવ્યું છેકે વિશાલનું મોત એમ્બ્યુલન્સ કારથી નહીં પંરતુ પોલીસની કારથી થયું છે.

આઇ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ભટ્ટ જણાવ્યું છેકે વિશાલને ટક્કર મારનાર કાર બોલેરો જીપ હતી. તેની ઉપર બ્લ્યૂ કલરની ફ્લેશર બિકોન લાઇટ લગાવી હતી. એમ્બ્યુલન્સમાં આ પ્રકારની લાઇટ લગાવવામાં આવે છે . અકસ્માત સમયે ફ્લેશર બિકોન ચાલુ હતી જોકે અક્સમાત થતાંની સાથે જ લાઇટ બંધ કરી દેવામાં આવી હતી અને બીઆરટીએસ રૂટ પરથી સીધા મેઇન રોડ ઉપર એમ્બ્યુલન્સને લાવીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પ્રાથમિક દૃષ્ટિએ કાર એમ્બ્યુલન્સ હતી સીસીટીવી ફુટેજ પણ ચેક કર્યા છે. કારની નંબર પ્લેટ જોઇ શકાતી નથી પંરતુ ચોક્કસ તે બહારગામની હતી અને સ્થાનિકો બોલેરો જીપ જોઇને પોલીસની કાર હતી તે વાત તદન ખોટી છે.

You might also like