બિનકાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલોઃ બુરહાનનાં પોસ્ટર લાગ્યાં

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ ભડકેલી હિંસાની અસર અત્રેના એનઆઈટી કેમ્પસ પર પણ પડી હતી, જેમાં કલાસ બંધ થઈ જતાં બિનકાશ્મીરી વિદ્યાર્થીઓ તેમના ઘેર પરત જતા હતા ત્યારે તેમના પર પથ્થરમારો થયો હતો એટલું જ નહિ પણ કેમ્પસના નોટિસબોર્ડ પર બુરહાન વાનીનાં પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં, જેમાં કેટલાંક ભડકાઉ સંદેશા લખેલા જોવા મળ્યા હતા.

આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ સંકુલ જોઈને ખૂબ જ પ્રશંસા કરી હતી. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર ગત ત્રીજી ઓગસ્ટે એનઆઈટીના કલાસ શરૂ થવાના હતા અને આ માટે બહારથી પણ વિદ્યાર્થીઓ આવી ગયા હતા, પરંતુ બુરહાન વાનીના મોત બાદ જમ્મુ-કાશ્મીરમાં વણસેલી સ્થિ‌િતને ધ્યાનમાં લઈ આ કોલેજના કલાસ શરૂ કરવામાં આવ્યા ન હતા અને આ દરમિયાન કોલેજના નોટિસબોર્ડ પર બુરહાન વાનીને લગતાં પોસ્ટર લગાવી દેવામાં આવતાં અને તેમાં કાશ્મીરની આઝાદી માટે આખરી જંગ ખેલવા એલાન કરવામાં આવતાં બહારથી આવેલા વિદ્યાર્થીઓ જ્યારે તેમના ઘેર પરત ફરતા હતા ત્યારે તેમના પર પથ્થરમારો થતાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

આવી ઘટના બાદ કોલેજના કલાસ હવે 23 ઓગસ્ટે શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતાં અનેક વિદ્યાર્થીઓ તેમના ઘેર પરત ફરવા લાગ્યા હતા અને આ દરમિયાન તેમના પર હુમલો થયો હતો. આ અંગે કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આવા હુમલાથી તેઓ ભયભીત થઈ ગયા હતા અને હવે સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ કોલેજ નહિ જાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

You might also like