વિદ્યાર્થી અને કલાકારો માટે ૩૦ હજાર ફૂડ પેકેટનું વિતરણ થશે

અમદાવાદ: જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આજે બપોરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર તેમનું ઉમળકાભેર સ્વાગત કરશે. ત્યારબાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી આ બંને મહાનુભાવો રોડ શો કરશે. રોડ શો માટે ગુજરાત સહિત દેશની સાંસ્કૃતિક ઝાંખીનાં દર્શન કરાવતા કાર્યક્રમોની રમઝટ બોલાવવા તંત્ર દ્વારા કુલ ૪૦ સ્ટેજ તૈયાર કરાયા છે. સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનારા વિદ્યાર્થીઓ સહિતના કલાકારો વગેરે સહિતના સ્ટાફ માટે અંદાજિત ૩૦,૦૦૦ ફૂટ પેકેટનું વિતરણ કરાશે.

એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પરના સ્ટેજ એક થી ર૮મા ‘ઇન્ડિયા કલ્ચર શો’ અને સ્ટેજ ર૯ થી ૪૦ સુધીમાં ‘ગુજરાત કલ્ચર શો’નું આયોજન કરાયું છે. ‘ઇન્ડિયા કલ્ચર શો’ હેઠળ સ્ટેજ ૮માં કેરળ, ૧૦મા કર્ણાટક, ૧૧માંઆંધ્રપ્રદેશ, અને સ્ટેજ ર૭મા ઓરિસ્સા રાજ્યના અમદાવાદમાં રહેતા સમાજ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. આ તમામ કલાકારો આજે સવારે ૧૧ વાગ્યાથી સ્થળ પર પહોંચી ગયા છે.

તંત્ર દ્વારા આજના રોડ રોના સંદર્ભમાં અંદાજિત ૩૦,૦૦૦ ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ છે. ફૂડ પેકેટ હેઠળ બુંદીના લાડુ, ગાંઠિયા, ચવાણું અને ખીચડીની વ્યવસ્થા કરાઇ છે. મણિનગરની એક ધાર્મિક સંસ્થા મામૂલી ચાર્જમાં આશરે ૧૦,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરીને આપવાની છે.

એરપોર્ટ પર ભવ્ય સ્વાગત માટે કુલ સાત સ્ટેજ તૈયાર કરાયા છે. આ સ્ટેજ પર વિભિન્ન રાજ્યોના ૧૪૦૦ જેટલા કલાકારો મોદી-આબેને આવકારશે. આ ઉપરાંત સખી મંડળ, સમી સંઘ સહિતની આશરે ૧૩૭પ મહિલાઓ પણ એરપોર્ટ પર આયોજિત કરેલા કાર્યક્રમમાં આ બંને મહાનુભાવોને આવકારશે.

You might also like