વિદ્યાર્થીઓને ધો.૯ની માર્કશીટની સાથે ધો.૧૦નાં પુસ્તકોનો સેટ મળી જશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યની ૧૦ હજારથી વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને ધો.૯નાં પરિણામની સાથે જ વિના મૂલ્યે ધો.૧૦ના પુસ્તકોનો સેટ મળી જશે. ધો.૧૦માં ગણિત, વિજ્ઞાન અને કમ્પ્યૂટર સિવાયનાં તમામ વિષયનો અભ્યાસક્રમ બદલાયો છે. બદલાયેલા અભ્યાસક્રમના તમામ પુસ્તકો તૈયાર થઇ ગયાં છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ધો.૧૦નાં પુસ્તકો બજારમાંથી ખરીદવાનાં રહેશે.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ર્કાયવાહક પ્રમુખ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે તા.૩ એપ્રિલથી નવા પુસ્તક સાથેના ધો.૧૦નાં પુસ્તકોનો ૧૮૮ કેન્દ્રોમાં મોકલાશે. વિદ્યાર્થીઓ પ કે ૬ઠ્ઠી મે દરમ્યાન ધો.૯નું પરિણામ લેેવા શાળાએ જશે ત્યારે માર્કશીટની સાથે સાથે જ તેમને નિઃશુલ્ક નવાં પુસ્તકોનો સેટ આપી દેવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ આ પુસ્તકો ખરીદવાં પડશે. એપ્રિલના અંત સુધીમાં અમદાવાદ સહિતના રાજ્યના તમામ ડિસ્ટ્રિબ્યુટર પાસે નવાં પુસ્તકો પહોંચી ગયાં હશે. જેથી ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ તે જ સમયગાળામાં પુસ્તકો મળી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધો.૧૦માં માત્ર પુસ્તકોનો અભ્યાસક્રમ બદલાયો છે. પહેલી વાર રાજ્યના શિક્ષણ વિભાગે એક નીતિ વિષયક નિર્ણય લઇને નવા શૈક્ષણિક વર્ષથી પોતે જ વિદ્યાર્થીઓને જરૂરી પાઠ્યપુસ્તકો શાળામાં જ મળી જાય તેવું આયોજન કર્યું છે. ધો.૯માં ભણતા તમામ વિદ્યાર્થીઓના ડેટા મેળવી લેવાયા બાદ ધો.૧૦ માટે સવા કરોડથી વધુ પુસ્તકો તૈયાર કરાયાં છે.

દરેક શાળાઓ પાસેથી પુસ્તકો અંગેની ડિમાન્ડ અને વિદ્યાર્થીઓની સંખ્યા ઓનલાઇન મગાવવામાં આવી છે. ધો.૧૦માં સામાજિક વિજ્ઞાન, ગુજરાતી ભાષા એક અને બે, હિંદી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા, સંગીત ચિત્રકળા, યોગ-સ્વાસ્થ્ય અને શારીરિક વ્યાયામનાં પુસ્તકો બદલાયાં છે. ધો.૧ થી ૮નાં પુસ્તકો શાળા કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like