રાજ્યભરના ૩૯૦ સ્ટ્રોંગ રૂમના લોખંડી તાળાં આજે સવારે ખૂલશે

ગાંધીનગર : આવતીકાલે સવારથી ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન ભારે ઉત્સુક્તાપૂર્ણ માહોલમાં હાથ ધરાશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ મતગણતરી અંગેની સઘન વ્યવસ્થા હાથ ધરાઈ છે. દરમ્યાન આજે ચૂંટણી કમિશનર ડૉ. વરેશ સિંહાએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ કામગીરીની સમીક્ષા કરી હતી. અમદાવાદ મનપા માટે ચૂંટણી પંચે એલડી કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે ઈવીએમના સ્ટ્રોંગ રૂમ ઊભા કર્યા છે. આ બન્ને સ્થળોએ મતગણતરી હાથ ધરાશે.

જે માટે ૨૪૦ ટેબલની વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમ જ મતગણતરી દરમ્યાન ટેબલ દીઠ એક સુપરવાઈઝર અને બે મતગણતરી સહાયક મળીને કુલ ૭૨૦ કર્મચારીઓ તૈનાત કરાયા છે. આ તમામ મતગણતરીના કેન્દ્રો ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા રખાઈ છે. રાજ્ય ચૂંટણી પંચ કમિશનર ડૉ. વરેશ સિંહાએ આજે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને આવતીકાલની મતગણતરીની કામગીરીની સમીક્ષા કરી હતી. ગાંધીનગરના મતગણતરી કેન્દ્રની આકસ્મિક મુલાકાતે તેઓ આવી ચઢ્યા હતા.

જો કે તેમણે સમગ્ર વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. દરમ્યાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ મનપા સહિત સુરત, વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર એમ કુલ છ મનપા માટે ૨૪ સ્ટ્રોંગ રૂમ, ૧૯ મતગણતરી કેન્દ્ર, ૬૦૪ ટેબલ અને ૧૮૧૨ ચૂંટણી કર્મીઓ, અમદાવાદ જિલ્લાપંચાયત સહિત ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયત માટે ૩૦૪ સ્ટ્રોંગ રૂમ, ૨૬૪ મતગણતરી કેન્દ્ર, ૩૧૦૬ ટેબલ અને ૯૩૧૮ ચૂંટણી સ્ટાફ જ્યારે બોપલ-ધુમા નપા સહિત કુલ ૫૬ નપા માટે ૬૨ સ્ટ્રોંગ રૂમ, ૬૦ મતગણતરી કેન્દ્ર, ૫૧૬ ટેબલ અને ૧૫૪૮ ચૂંટણી સ્ટાફ સહિત કુલ ૩૯૦ સ્ટ્રોંગ રૂમ, ૩૪૩ મતગણતરી કેન્દ્ર, ૪૨૨૬ ટેબલ અને ૧૨૬૭૮ ચૂંટણી સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે તબક્કામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પરિણામ સુપ્રીમ કોર્ટના એક ચુકાદાના આધારે આવતીકાલે એક સાથે જ જાહેર કરાશે. અગાઉ છ મનપાના પરિણામ તા. ૨૬ નવેમ્બરે જાહેર થવાના હતાં.

You might also like