ટેસ્ટના બીજા જ દિવસે ભારતની મજબૂત પકડ

જમૈકાઃ લોકેશ રાહુલ (૧૫૮ રન)ની કરિયરની ત્રીજી સદીથી મદદથી ભારતીય ક્રિકેટ ટીમે સબીના પાર્ક મેદાન પર વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં પોતાની પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૩૫૮ રન બનાવી લીધા છે. ભારતને વિન્ડીઝની પહેલી ઇનિંગ્સ (૧૯૬ રન)ના આધાર પર ૧૬૨ રનની સરસાઈ મળી ચૂકી છે.

ગઈ કાલે રમત પૂરી થઈ ત્યારે વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે ૪૨ અને રિદ્ધિમાન સાહાર ૧૭ રન બનાવીને અણનમ રહ્યા હતા. આ બંને બેટ્સમેન છઠ્ઠી વિકેટ માટેની ભાગીદારીમાં ૩૧ રન નોંધાવી ચૂક્યા છે. વિરાટ કોહલી ૪૪ રન અને ચેતેશ્વર પૂજારાએ ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. આમ, ભારતે મેચના બીજા જ દિવસે મેચ પર મજબૂત પકડ જમાવી લીધી છે.

ભારતે શનિવારે પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે એક વિકિટે ૧૨૬ રન બનાવ્યા હતા. ગઈ કાલે બીજા દિવસે રાહુલ અને પૂજારાએ સંપૂર્ણ સંયમ સાથે ઇનિંગ્સને આગળ વધારી હતી. રાહુલે પહેલા સત્રની સમાપ્તિ પહેલાં ૧૮૨ બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી. તે કેરેબિયન ધરતી પર પોતાની પહેલી ટેસ્ટ રમી રહ્યો છે.

પૂજારા પણ રાહુલને ભરપૂર સાથ આપી રહ્યો હતો, પરંતુ બીજા સત્રમાં પૂજારાએ પોતાનો સંયમ ગુમાવ્યો અને ભારતના ૨૦૮ રનના કુલ સ્કોર પર રોસ્ટન ચેઝના એક સુંદર થ્રો દ્વારા તે ૪૬ રને રનઆઉટ થઈ ગયો હતો. ચેતેશ્વરે કે. એલ. રાહુલ સાથે બીજી વિકેટની ભાગીદારીમાં ૧૨૧ રન બનાવ્યા હતા. ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો અને તેણે રાહુલ સાથે મળીને ભારતીય ઇનિંગ્સને આગળ વધારવાનું શરૂ કર્યું હતું. કોહલી શાનદાર ફોર્મમાં રમી રહ્યો હતો. તેણે ઘણા આકર્ષક શોટ પણ ફટકાર્યા હતા.

રાહુલ સાથે તેણે ત્રીજી વિકેટ માટે ૬૯ રન ઉમેર્યા હતા. કોહલી વિકેટ પર હતો, ત્યારે જ ૨૭૭ રનના કુલ સ્કોર પર રાહુલ આઉટ થઈ ગયો. રાહુલને શેનાન ગેબ્રિયલે આઉટ કર્યો હતો. રાહુલે ૩૦૩ બોલનો સામનો કરીને ૧૫ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

કોહલીએ અશ્વિન (૩ રન) સાથે સ્કોરને ૩૦૦ને પાર પહોંચાડી દીધો, પરંતુ ૩૧૦ રનના કુલ સ્કોર પર ખુદ કોહલી પોતાની વિકેટ ગુમાવી બેઠો. કોહલીએ ચેઝની બોલિંગમાં આઉટ થતાં પહેલાં ૯૦ બોલમાં ૪૪ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં તેણે ચાર ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો હતો. પહેલી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનારા અશ્વિનની વિકેટ ૩૨૭ રનના કુલ સ્કોર પર પડી હતી. અશ્વિન જ્યારે ત્રણ રને રમી રહ્યો હતો ત્યારે બિશુએ તેને એલબી આઉટ કર્યો હતો.

જોકે ત્યાર બાદ રમત બંધ રહી ત્યાં સુધીમાં ભારતને કોઈ વધુ નુકસાન થયું નહોતું. રહાણે છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૪૨ રને અને રિદ્ધિમાન ૧૭ રને બેટિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડીઝનો પહેલો દાવ અશ્વિનના બોલિંગ તરખાટ (બાવન રનમાં પાંચ વિકેટ) સામે ૧૯૬ રનમાં જ સમેટાઈ ગયો હતો. આ ઉપરાંત ઈશાંત અને શામીએ બે-બે વિકેટ, જ્યારે અમિત મિશ્રાએ એક વિકેટ ઝડપી હતી.

Ashwin-2ટોસ જીતીને બેટિંગ કરવાના વિન્ડીઝના નિર્ણયથી આશ્ચર્ય થયું: આર. અશ્વિન
ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું કે બીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને ભેજવાળી-ચીકણી વિકેટ પર પ્રથમ બેટિંગ કરવાના વેસ્ટ ઈન્ડીઝના નિર્ણયથી તેને આશ્ચર્ય થયું હતું. અશ્વિને જણાવ્યું કે, ”હું આશ્ચર્યમાં પડી ગયો હતો, તેઓએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય થોડો આશ્ચર્યજનક હતો, કારણ કે તેઓએ ઝડપથી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.” ઉલ્લેખનીય છે કે ભારતીય ફાસ્ટ બોલરોએ ફક્ત સાત રનના કુલ સ્કોર પર વિન્ડીઝના ટોચના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. કિંગ્સ્ટનની પીચ પર ઘાસ હોવા છતાં કેપ્ટન જેસન હોલ્ડરના ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાના નિર્ણયથી વિન્ડીઝના ક્રિકેટ ચાહકોને પણ આશ્ચર્ય થયું હતું.

You might also like