સૈજપુરમાં લુખ્ખાઓના ત્રાસના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યો

અમદાવાદ: સૈજપુર બોઘામાં અસામાજિક તત્ત્વોના કહેવાતા ત્રાસના વિરોધમાં આજે સવારે સૈજપુર ટાવરથી સૈજપુર ગામ સુધીના આશરે ૧૦૦થી ૧૫૦ દુકાનદારોએ સજ્જડ બંધ પાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઘટના સંદર્ભે પોલીસતંત્રની કથિત બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે. સૈજપુર બોઘા વિસ્તારમાં બે ત્રણ ઇસમોએ એરપોર્ટમાં નોકરી અપાવવાની લાલચ સ્થાનિક યુવકોને આપીને આશરે રૂ. છ લાખ એકઠા કર્યા હતા. જોકે આ લોકોની સાથે રોજગારીના મામલે ઠગાઇ કરાઇ હોવાના આક્ષેપ ઊઠ્યા હતા. હતાશ થયેલા યુવકોએ એક સ્થાનિક આગેવાનનો સંપર્ક કર્યો હતો.

આ સ્થાનિક આગેવાને યુવકો સાથે થયેલી ઠગાઇ અંગે આ માથાભારે ઇસમો સમક્ષ રજૂઆત કરતા સમગ્ર મામલો ગરમાયો હતો. ગઇ કાલે આ ઇસમો દ્વારા આ આગેવાનની મારપીટ કરાઇ હતી. પોલીસ તંત્રે પણ ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવાના આક્ષેપ ઊઠ્યા છે. દરમિયાન આજે સવારે સૈજપુર ટાવરથી સૈજપુર ગામ સુધીના આશરે ૧૦૦થી ૧૫૦ દુકાનદારોએ પોતાની દુકાન બંધ રાખીને માથાભારે ઇસમો વિરુદ્ધનો રોષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

You might also like