શાળામાં વિદ્યાર્થી સાથે કોઈ ગંભીર ઘટના બનશે તો સંચાલકો સામે કડક કાર્યવાહી

અમદાવાદ: શહેરની ભાવસાર હોસ્ટેલ નજીક આવેલી ડી.પી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હર્ષિલ સોનીનું સ્કૂલમાં આવેલા પીવાનાં પાણીનાં કૂલરમાં કરંટ લાગતાં મોત બદલ સ્કૂલના સંચાલકો સામે પોલીસે બેદરકારી બદલ ગુનો નોંધ્યો છે. શહેર પોલીસે આ ગંભીર ઘટના બાદ એક્શનમાં આવતાં તમામ સ્કૂલ સંચાલકોને ચેતવણી આપી છે કે આવા ગંભીર બનાવ ન બને તે માટે અગમચેતીનાં પગલાં લેવાં અને જો એવો કોઈ બનાવ બનશે તો સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

વાડજ વિસ્તારમાં આવેલા ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતો હર્ષિલ સોની ભાવસાર હોસ્ટેલ નજીક આવેલી ડીપી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. માર્ચ 2016માં સ્કૂલમાં પીવાનાં પાણીનાં કૂલર નજીક તેનું મોત નીપજ્યું હતું. વાડજ પોલીસની તપાસમાં કૂલરનાં કરંટથી મોત નીપજ્યું હોવાનું સામે આવતાં આ અંગે સ્કૂલના સંચાલકો સામે પોલીસે બેદરકારી બદલ ગુનો નોંધ્યો છે. આ ઘટનાને શહેર પોલીસે ગંભીરતાથી લેતાં ડીપી હાઈસ્કૂલના સંચાલકોની ગંભીર નિષ્કાળજી જ બતાવી હતી. મા બાપ પોતાનાં બાળકોને સ્કૂલ સંચાલકો તેમના જેટલી જ હૂંફ અને કાળજી લેશે તેમ માનીને સ્કૂલે મોકલતાં હોય છે.સ્કૂલોમાં ઓપન ટેરેસ,એસી અને ઠંડાં પાણીનાં કૂલરો વગેરે ઇલેક્ટ્રોનિક્સ સાધનો વપરાય છે. આ સાધનોનું જો સમયસર મેન્ટેનન્સ ન કરવામાં આવે તો કોઈ પણ ગંભીર બનાવ બની શકે છે. સાધનોની ચકાસણી ન કરવા બદલ સ્કૂલના સંચાલકોની બેદરકારી ગણાય.

આવા બનાવોને ધ્યાનમાં રાખી શહેર પોલીસ દ્વારા તમામ સ્કૂલ સંચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓએ આવા ગંભીર બનાવ સ્કૂલમાં ન બને તે માટે અગમચેતીનાં પગલાં લેવાં અને જો એવો કોઈ બનાવ બનશે તો સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કડક કર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ સંચાલકોએ પોતાની સ્કૂલ પ્રત્યેની અને બાળકો પ્રત્યેની જવાબદારીની પૂરી તકેદારી રાખવી.

http://sambhaavnews.com/

You might also like