તમે કહો તેમ કામ નહીં થાયઃ બેંક કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા

અમદાવાદ: દેશની રાષ્ટ્રીયકૃત બેન્કમાં સ્ટેટ બેન્ક અોફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી કરિયર પ્રોગ્રેસિવ પોલિસીને અમલી બનાવવામાં અાવી રહી છે. અા પોલિસીના વિરોધમાં અાજે સ્ટેટ બેન્ક અોફ ઈન્ડિયા સિવાયની ર૭ રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઅો અાજે હડતાળ પાડીને કામગીરીથી અળગા રહ્યા હતા. જેને કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ૭ર કલાક સુધી બેન્કની કામગીરી ઠપ થઇ હતી. અા હડતાળને કારણે અમદાવાદ શહેરનું જ રૂ.રપ૦૦ કરોડનું ક્લિયરિંગ અટકી જશે. જ્યારે સમગ્ર રાજ્યનું એક દિવસનું રૂ.૧૦થી ૧ર હજાર કરોડનું ક્લિયરિંગ અટવાઈ જશે.

રાષ્ટ્રીયકૃત બેન્કની હડતાળ અંગે મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.વી. બારોટે જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશની રાષ્ટ્રીયકૃત બેન્ક, દેના બેન્ક, સિન્ડિકેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક, અોરિયેન્ટલ બેન્ક, સ્ટેટ બેન્ક અોફ મૈસૂર, બેન્ક અોફ ત્રાવણકોર સહિતની વિવિધ ર૭ જેટલી બેન્કની તમામ શાખાઅોના કર્મચારી અને અધ‍િકારીઅો હડતાળ ઉપર ઊતર્યા છે. અાજે ર૭ રાષ્ટ્રીયકૃત બેન્કના હજારો કર્મચારીઅો કરિયર પ્રોગ્રેસિંગ પોલિસીના વિરોધમાં જોડાયા છે.

તેમણે જણાવ્યું હતું કે અા પોલિસી અંતર્ગત બેન્કના કર્મચારીઅોને સવારે આઠથી રાતના આઠ સુધી કામ કરવા બંધાયા હોવાની ફરજ પડાઇ છે. કોઈ પણ અધિકારી અને કર્મચારીને કોઈ પણ પ્રકારની કામગીરી સોંપી શકાશે અને કરાવી શકાશે.

અા પોલિસીના વિરોધમાં અાજે શહેરના પરિમલ ગાર્ડન પાસે અાવેલી સ્ટેટ બેન્ક અોફ મૈસૂર ખાતે રાષ્ટ્રીયકૃત બેન્કના અધિકારીઅો અને કર્મચારીઅોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

You might also like