એક લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સ માટે કોર્પોરેશન પાણીમાં બેઠું

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા દાયકાથી ભાજપનું શાસન છે. ભાજપના શાસકો દર વર્ષે બજેટમાં શહેરીજનો સમક્ષ નવાં નવાં સૂત્રો લઇને આવે છે.  આગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના બજેટમાં પણ સત્તાધીશોએ ‘સ્માર્ટ અમદાવાદ, લીવેબલ અમદાવાદ અને લવેબલ અમદાવાદ’નું સૂત્ર ગાજતું કર્યું છે. અમદાવાદ વૈશ્વિક કક્ષાની માળખાકીય સુવિધાઓ ધરાવતું હોવાના શાસકોના દાવા વચ્ચે કમનસીબે શહેરના એક લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સ માટે કોઇ નીતિ-રી‌િત નથી.

શહેરને સ્માર્ટ સિટીનું સ્વરૂપ આપવાનું અમલીકરણ કરવાની દિશામાં અમદાવાદ ભલે અગ્રેસર હોય કે સફાઇ વ્યવસ્થા કે મેડિકલ સેવા કે કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ અને બીઆરટીએસ વગેરેનું શાસક પક્ષ ગૌરવ લેતો હોય, પરંતુ આ કથિત ગૌરવ ગાન પાછળની કડવી વાસ્તવિકતા એ છે કે દિવસ ઊગતાની સાથે પોતાના પરિવારની રોજીરોટી માટે શહેરની ગલીઓને ખુંદતા ગરીબ વર્ગના સ્ટ્રીટ વેન્ડર્સને સરળતાથી વિસારી દેવાયા છે. એક અંદાજ પ્રમાણે આજે અમદાવાદભરમાં એક લાખથી વધારે સ્ટ્રીટ વેન્ડર્સ છે. આ સઘળા સ્ટ્રીટ વેન્ડર્સ શહેરના નાગરિકો હોવા છતાં તેમના માટે સત્તાવાળાઓ પાસે કોઇ નક્કર આયોજન નથી.

અગાઉ ર૦૦પ-૧૦ના ભાજપના શાસનકાળમાં તત્કાલીન શાસકો સ્ટ્રીટ વેન્ડર્સની સ્થિતિ સુધારવા ગંભીર બન્યા હતા. તે સમયે શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સનો સર્વે કરાવાયો હતો. વર્ષ ર૦૧૦ના છેલ્લા સર્વે મુજબ તંત્રના ચોપડે ૬૬,પ૯૩ સ્ટ્રીટ વેન્ડર્સ નોંધાયા હતા, જે પૈકી સૌથી વધુ મધ્ય ઝોનમાં ૧૮,ર૮પ, પશ્ચિમ ઝોનાં ૧૬,રપ૪, પૂર્વ ઝોનમાં ૯૦૦ર, ઉત્તર ઝોનમાં ૮૩ર૧, દક્ષિણ ઝોનમાં ૭૩૭૭ અને નવા પશ્ચિમ ઝોનમાં ૭૩પ૪ સ્ટ્રીટ વેન્ડર્સ હતા. તે સમયે સ્ટ્રીટ વેન્ડર્સ માટે કંઇ ગંભીરતાથી વિચારાયું હતું. જોકે તે સમયના સર્વેમાં પણ અનેક સ્ટ્રીટ વેન્ડર્સની નોંધણી થઇ શકી ન હોવાની ફરિયાદો ઊઠી હતી. હવે તો શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સની સંખ્યા અને સમસ્યા વિકરાળરૂપ બની છે.

કોંગ્રેસના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોંગ્રેસના વરિષ્ઠ કોર્પોરેટર બદરુદ્દીન શેખ આક્ષેપ કરતાં કહે છે, ‘કેન્દ્રની ર૦૦૯ની સ્ટ્રીટ વેન્ડર્સ પો‌િલસી મુજબ સત્તાધીશોએ વેન્ડર્સને સારી જગ્યા ઉપરાંતના તેમના જીવનધોરણને ઉપર લાવવાના ઉપાય કરવા જોઇએ, પરંતુ ભદ્ર પ્લાઝા જેવા એકાદ-બે અપવાદ સિવાય સ્ટ્રીટ વેન્ડર્સ માટે કોઇ નક્કર નીતિ વિચારાઇ નથી. આજે પણ કાંકરિયા વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડર્સ જ્યાં ત્યાં ભટકી રહ્યા છે.

આ અંગે ભાજપના શાસકો કહે છે, “નવો સર્વે કરાવવાની કોઇ ગુંજાઇશ નથી, જોકે કોર્ટની સૂચનાના આધારે સ્ટ્રીટ વેન્ડર્સને થાળે પડાઇ રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like