સ્ટ્રીટલાઈટના ખુલ્લા વાયરથી વધુ એક ગાયનું મોત?

અમદાવાદ: કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે સ્ટ્રીટલાઇટના થાંભલાના ખુલ્લાં વીજ વાયરથી અબોલ પશુઓ પર આફત ઊતરી છે. હાટકેશ્વર-ભાઈપુરામાં બે ગાયને વીજ કરંટ લાગવાથી સ્થળ પર જ કરુણ મોત થયાની સાથેસાથે હવે વટવામાં એક ગાયનું વીજ કરંટથી મૃત્યું થયું હોવાના આક્ષેપ ઊઠ્યા છે.

હાટકેશ્વર ભાઇપુરામાં રાધાકૃષ્ણનગર સોસાયટીના નાકે રસ્તા પરના સ્ટ્રીટલાઇટના થાંભલા નજીકથી પસાર થતા ગુરુવારની રાતે બે ગાયનું વીજ કરંટ લાગતાં સ્થળ પર જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ અગાઉ વટવામાં એક યુવકનો સ્ટ્રીટલાઇટનાં ખુલ્લાં વીજ વાયરે ભોગ લીધો હતો.

દરમિયાન રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલે વટવામાં સ્ટ્રીટલાઇટના ખુલ્લાં વીજ વાયરથી એક ગાયનું મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો છે. તેઓ કહે છે કે વટવા ગામડી રોડ પરના અયોધ્યા ફ્લેટ પાસે બુધવારની રાતે એક ગાયને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગવાથી ગાય થાંભલાથી ત્રણ ફૂટ દૂર ફેંકાઇ જઇને સ્થળ પર જ મૃત્યુ પામી હતી. ચોમાસા દરમિયાન વટવા વિસ્તારમાં યુવકનાં મોત બાદ ગાય પણ ખુલ્લા વીજ વાયરનોે ભોગ બનવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.

You might also like